જામનગર મહાપાલીકાની જનરલ બોર્ડની સભા આવતીકાલ તા.૧૭ના રોજ બપોરે ૧૧ વાગ્યે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મળશે, જેમાં અગાઉ વિકાસ પામેલા વિસ્તારોની ૩ ટીપી સ્કીમના ઇરાદાઓ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ સ્ટાફ સેટઅપ સુધારાની દરખાસ્ત ઉપર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
કોર્પોરેશન હસ્તકના ગાર્ડન રિઝર્વ પ્લોટ ૧ થી ૯માં ટ્રી-પ્લાન્ટેશન અંગેની દરખાસ્ત પણ મુકવામાં આવી છે તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની જુની પેન્શન યોજનાઓનો લાભ આપવાની દરખાસ્ત અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ફુડ શાખામાં સિનીયર ફુડ સેફટી ઓફીસર અને ડેઝીગ્નેટેડ ઓફીસરની પોસ્ટ ઉભી કરવાની દરખાસ્ત ઉપર પણ ચર્ચા-વિચારણા થશે.
ખાસ કરીને મુસદારૂપ નગર યોજના નં.૩૫, ૩૬ અને ૩૮ શહેરી વિકાસ અધિનિયમ કલમ ૪૧ (૧) હેઠળ ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જો કે શહેરના આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસ શરૂ થઇ ચૂકયો છે, ત્યારે કોર્પોરેશનની આ દરખાસ્ત ઉપર વિપક્ષ તડાપીટ બોલાવે તેવી પણ શકયતા છે.