જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસથી લોકોને રાહત મળે તે હેતુસર આ કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવી છે. આ સંદર્ભે કરવામાં આવેલ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યભરના તલાટી મંત્રીઓ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે. સરકાર આ પરિપત્ર પાછો ખેંચે કે ન ખેંચે પરંતુ તલાટીઓ આવી કામગીરી કરવા નથી તેવી સ્પષ્ટ વાત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજ મોદી અને ઉપપ્રમુખ ચિરાગ ગેરૈયાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે કરી છે.
વિકાસ કમિશનરને સંબોધીને લખેલા આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, પંચાયત વિભાગના અગ્ર સચિવ સહિતનાઓને પણ મોકલવામાં આવી છે.
તલાટીઓ પર કામનું ભારણ પહેલેથી જ વધુ છે
રાજ્ય તલાટી મંડળ દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તલાટી કમ મંત્રી ગામ પંચાયતના વહીવટ સાથે સાથે રેવન્યુ કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જન્મ–મૃત્યુ નોંધણી, લગ્ન નોંધણી, વિવિધ શાસકીય યોજનાઓનો અમલ, તેમજ બહુવિધ જવાબદારીઓ સંભાળતા હોય છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દરેક તલાટી કમ મંત્રીને એકથી વધુ ગામડાંની જવાબદારી સોંપાયેલ હોઈ કામનું ભારણ પહેલેથી જ વધુ છે.
સરકારની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડી શકે છે
જિલ્લા કક્ષાએ આ કામગીરી માટે પશુ નિયામક અધિકારી અને તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સકને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ પશુઓ સંબંધિત કોઈપણ પ્રકારનું કાર્યકૌશલ્ય, અનુભવ કે તાલીમ ન ધરાવતા તલાટી કમ મંત્રીઓને આ કામગીરી સોંપવી યોગ્ય નથી. રાજ્યમાં પશુપાલન વિભાગ તથા વન વિભાગ જેવા વિશિષ્ટ તંત્રોની સુવ્યવસ્થિત વ્યવસ્થા હોવા છતાં આ કામગીરી તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવે છે, જે ગ્રામ્ય કર્મચારીઓની હસીમજાકનું કારણ બને છે. સોશિયલ મીડિયામાં પણ આવા પરિપત્રો અંગે નકારાત્મક પ્રતિસાદ જોવા મળે છે, જે સરકારની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડી શકે છે.
રાજ્યના તલાટી કમ મંત્રી ભાઈ-બહેનોમાં ભારે અસંતોષ ફેલાયો
તલાટી કમ મંત્રીઓની કર્મસેવા અને મનોબળને ધક્કો પહોંચાડે તેવાં આવા પરિપત્રો નિંદનીય છે. ખાસ કરીને જ્યારે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ તાલીમ, સાધનો કે માર્ગદર્શિકા વિના રખડતા કૂતરાઓને પકડવા અને નિકાલ કરવા જેવી ટેકનિકલ કામગીરી સોંપવામાં આવે છે, ત્યારે તે નુકસાનકારક સાબિત થાય છે. અગાઉ પણ આવા પ્રકારના હાસ્યપાત્ર પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગુજરાતની મહિલા તલાટી કમ મંત્રીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. હવે ફરી આવા જ સ્વરૂપના પરિપત્રથી રાજ્યના તલાટી કમ મંત્રી ભાઈ–બહેનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તરફથી રજુઆત કરાઈ
આથી, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તરફથી રજુઆત છે કે ઉપરોક્ત પરિપત્ર તાત્કાલિક પરત ખેંચી લેવો, જેથી ગ્રામ્ય કક્ષાએ કાર્યરત તલાટી કમ મંત્રીઓની માન મર્યાદા, પ્રતિષ્ઠા અને મનોબળ જળવાઈ રહે.જો આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે, તો તલાટી કમ મંત્રીઓ દ્વારા આ કામગીરી અમલમાં મૂકવામાં આવશે નહીં, તે અંગે નોંધ લેવા વિનંતી. વધુમાં આવનારા સમયમાં તલાટી કમ મંત્રીઓને હાંસીપાત્ર બનાવે અથવા ક્ષોભજનક સ્થિતિમાં મૂકે તેવા કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના નેજાં હેઠળ વિકાસ કમિશનરની કચેરી સમક્ષ ગાંધીનગરમાં ધરણા–પ્રદર્શન કરવામાં આવશે.