મીઠાપુરમાં ટાટા કેમીકલ કંપનીના પાપે સમુદ્વમાં ભયંકર પ્રદૂષણે માઝા મૂકી છે છતાં તંત્રના ટોપથી બોટમ અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ચૂપકીદી સેવતા જળચર જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. આટલું જ નહીં કેમીલકનું પ્રદૂષણ દરિયામાં દીન-પ્રતિદીન વધતા દરિયો વિનાશની ગર્તામાં ધકેલાતા પર્યાવરણનું સંતુલન ખોરવવાની ભીતિ ઉભી થઇ છે. આ જીવલેણ બેદરકારીની સ્થિતિમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મલીન અને શંકાસ્પદ કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. નવાઇની વાત તો એ છે કે, દરિયામાં કેમીકલના થરમાં બોટો ખૂપી જતી હોવા છતાં તંત્ર ગાંધારીની ભૂમિકા ભજવતા આ ભૂમિકા ભજવવા પાછળ કયું પરિબળ ભાગ ભજવી રહ્યું છે તે પણ ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે.
મીઠાપુરમાં ટાટા કેમીકલ કંપનીના પ્રદૂષણે માઝા મૂકી છે. આ અંગે છેલ્લાં ઘણાં સમયથી પીડીતો દ્વારા લડત ચલાવામાં આવી રહી છે. પરંતુ તંત્રનો મૂકબધીર બનીને બેઠું છે. જેના કારણે દરિયામાં ટાટા કંપનીના કેમીકલના પ્રદૂષણે હદ વટાવી છે. જેના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. કારણ કે, દરિયામાં કેમીકલના પ્રદૂષણના થર જામી ગયા છે. જેના કારણે દરિયા કીનારે બોટો ખૂપી જતા પાણીમાં જઇ શકતી નથી. આટલું જ નહીં બોટને ખસેડવા દરિયા કીનારે ઉતરતા લોકો કેમીકલના થરમાં ખૂપી જતા અને ચાલી પણ ન શકતા જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આટલું જ નહીં આ કેમીકલનું પ્રદૂષણ એટલું બધું ઘાતક છે કે જળચર જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. ટાટા કંપનીના પ્રદૂષણથી દરિયો વિનાશની ગર્તામાં ધકેલાઇ રહ્યો છે. આમ છતાં તંત્રના ટોપ ટુ બોટમ એટલે કે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ભેદી ચૂપકીદી સેવી રહ્યા છે. ત્યારે આ છે સંવેદનશીલ સરકાર તે સવાલ પણ ઉઠ્યો છે.
મીઠાપુરમાં ટાટા કંપનીના ઝેર ઓકતા પ્રદૂષણે હદ વટાવી છે ત્યારે ઓખામંડળના અને ૧૫ વર્ષથી કંપનીના પ્રદૂષણ સામે લડત ચલાવતા દેવરામવાલાએ પ્રદૂષણનો સનસનીખેજ ખુલાસો પુરાવા સાથે કરતા ખળભળાટ મચી ગયો છે. તેઓના જણાવ્યાનુસાર મીઠાપુર ટાટા કેમીકલ્સ દ્વારા કંપનીમાંથી નીકળતો ઝેરી કેમીકલ લીકવીડ વેસ્ટ વર્ષોથી સમુદ્વમાં ઠલવાઇ રહ્યો છે. જેના કારણે સમુદ્રી જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે.
આટલું જ નહીં તેમણે પોતાની હોડીથી સમુદ્વમાં ફેલાયેલા પ્રદૂષણની વાસ્તવિકતા ઉજાગર કરી હતી. જેમાં કેમીકલના પ્રદૂષણના દરિયામાં થરથી હોડી હલનચલન પણ થઇ શકતી ન હતી. આટલું જ નહીં આ થરમાં તેમના પગ પણ ગોઠણ સુધી ખૂપી ગયા હતાં. આટલી હદે દરિયામાં ટાટા કંપનીના પ્રદૂષણ ફેલાઇ ચૂકયું હોવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે આ પ્રદૂષણ ન થાય તે માટે કંપની સામે પગલાં અને કાર્યવાહી કરવાની જવાબદારી છે તે બોર્ડના અધિકારીઓની મલીન અને શંકાસ્પદ કામગીરી ઉચ્ચસ્તરીય તપાસનો વિષય બની છે. મીઠાપુરમાં તાતા કંપનીના કેમીકલના પ્રદૂષણથી દરિયો વિનાશની ગર્તામાં ધકેલાઇ રહ્યો હોય પર્યાવરણનું સંતુલન ખોરવાઇ રહ્યું છે અને જનઆરોગ્ય પર પણ ખતરો વધી રહ્યો છે. આમ છતાં વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ભેદી મૌન સેવતા આ છે સંવેદનશીલ સરકાર તે સળગતો સવાલ લોકોમાં ઉઠ્યો છે.
મરીન નેશનલ પાર્કની ચુપકીદી આશ્ર્ચર્યજનક
જામનગરનો દરીયોકાંઠો મરીન નેશનલ પાર્કમાં છે, જરા પણ ઓઇલ દરીયામાં ઢોળાય, પેટ કોક ઢોળાય, દરીયાઇ જીવો મૃત જોવા મળે તો મરીન નેશનલ પાર્ક તુરંત હરકતમાં આવી જાય છે, પરંતુ ટાટા કેમીકલ્સના આવા ભયંકર પ્રદુષણના મુદે જેના પર દરીયાઇ જીવોની સુરક્ષાની જવાબદારી છે, કાંઠાને પ્રદુષણ મુકત રાખવાની જેની ફરજ છે, ચેરના વૃક્ષોનું જતન જેને કરવાનું છે એ મરીન પાર્કની ખામોશી પણ આશ્ર્ચર્યજનક છે.