જામનગર મહાનગરપાલીકાના ડ્રાફટ બજેટમાં કરવેરા, ખર્ચ, ગ્રાન્ટના અંદાજ અને આવક ન દર્શાવામાં આવતા એટલે કે ગાયબ કરી દેવામાં આવતા આ મુદો તપાસનો વિષય બન્યો છે. અણધડ ખર્ચ કરવામાં પાવરધી અને વેરા વસૂલાતમાં વામણી મનપાએ નિષ્ફળતા છૂપાવવા વેરા, ખર્ચ, કેપીટલ ગ્રાન્ટના રીવાઇઝડ અંદાજોના કારણો પર કાતર ફેરવી દીધાની શકયતા પણ નકારી શકાતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટમાં આંકડાની માયાજાળ અને હથેળીમાં ચાંદ જેવા વિકાસકાર્યો દર્શાવી વાસ્તવિકતા પર ઢાંકપીછોડાનો શરમજનક ખેલ યથાવત રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલીકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશ્ર્નરે સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કર્યું હતું. પરંતુ પાછલા બારણે બધું નકકીની આગે સે ચલી આતી હે પરંપરાની જેમ આ વર્ષે પણ આગામી દીવસોમાં મનપાની ચૂંટણી આવતી હોય પ્રથમ બજેટમાં વેરા વધારો અને ત્યારબાદ આ વેરા વધારો રદ કરવાનું નાટક મનપાના અધિકારીઓ અને સતાધીશો દ્રારા આબેહૂબ ભજવી શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરાવામાં આવ્યા છે. આટલું જ નહીં કરવેરા, ખર્ચ, કેપીટલ ગ્રાન્ટના રીવાઇઝડ અંદાજ અને આવક કે જેના પર વિકાસકાર્યોનો અધાર છે તેના કારણો રીતસર છૂપાવી બજેટની વાસ્તવીકતા પર રીતસર પડદો પાડી વધુ એક વખત શહેરીજનોને હથેળીમાં ચાંદ બતાવામાં આવ્યા છે.
કારણ કે, જામ્યુકોના વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫ના કમિશ્ર્નરે રજૂ કરેલા ડ્રાફટ અંદાજપત્રમાં મિલકત વેરો, વ્યવસાય વેરો, ટાઉન પ્લાનીંગ, એસ્ટાબ્લીશ મેન્ટ ખર્ચ, જમીન વેચાણની આવક, કેપીટલ ગ્રાન્ટના રીવાઈઝડ અંદાજના એટલે કે મુખ્ય આવકમાં વધારા-ઘટાડાના કારણો દર્શાવામાં આવ્યા હતાં. જેમાં પ્રોપર્ટી ટેકસમાં ચાલુ વર્ષમાં ૧૧૮.૫૮ કરોડની આવકનો મૂળ અંદાજ હતો અને ચાલુ સાલે તા.૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં કુલ આવક રૂ.૪૦.૦૫ કરોડની થઇ હોવાનું દર્શાવાયું હતું. આટલું જ નહીં બાકી રહેતા વેરા અને ઘ્યાનમાં રાખી તા.૧-૧૨-૨૦૨૩ થી ૩૧-૩-૨૦૨૪ ની અંદાજીત આવક રૂ.૭૮.૮૫ કરોડ ગણતરીમાં લઇ વર્ષ ૨૦૨૩-૨૪નું કુલ રીવાઇઝડ અંદાજ રૂ.૧૧૮.૯૦ કરોડ મૂકવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. આ પ્રકારે વ્યવસાય વેરો મૂળ અંદાજ અને આવક તથા અંદાજીત આવક ગણતરીમાં લઇ રીવાઇઝડ અંદાજ પણ દર્શાવાયો હતો.
જયારે વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફટ અંદાજપત્રમાં ટાઉન પ્લાનીંગની આવકનો મૂળ અંદાજ અને ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં થયેલી આવક અને કુલ રીવાઇઝડ અંદાજ, એસ્ટાબ્લીશમેન્ટનો ખર્ચ, મૂળ અંદાજ અને વધારો, જમીન વેચાણની આવકનો મૂળ અંદાજ અને આવક થતા રીવાઇઝડ અંદાજ, કેપીટલ ગ્રાન્ટની આવક અને તેની સામે થયેલી ફાળવણી અને મળનાર ગ્રાન્ટનો રીવાઇઝડ અંદાજ દર્શાવાયો હતો. પરંતુ આ બજેટ બાદ એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં તથા વર્ષ ૨૦૨-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં પ્રોપર્ટી ટેકસ, વ્યવસાય વેરો, ટાઉનપ્લાનીગ, એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ, જમીન વેચાણની આવક, કેપીટલ ગ્રાન્ટની આવકના અંદાજ અને તેની સામે થયેલી આવક તથા રીવાઇઝડ અંદાજના કારણો પર કાતર મૂકવામાં આવતા એટલે કે ન દર્શાવી ગાયબ કરી દેવામાં આવ્યા છે. આથી અનેક સવાલ સાથે આ મુદો તપાસની સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી બાજુ અણધડ ખર્ચ કરવામાં પાવરધી અને વેરા વસૂલાતમાં વામણી મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓએ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે આ અંદાજ દર્શાવાના બંધ કરી દીધા નથી તે સળગતો સવાલ ઉઠ્યો છે. આટલું જ નહીં બીજી બાજુ અન્ય આંકડાની માયાજાળ અને મુંગેરી લાલ કે હસીન સપને જેવા વિકાસકાર્યો બતાવાની પરંપરા જાળવી રાખી છે. જયારે પ્રોપર્ટી ટેકસ, વ્યવસાય વેરો, ટાઉનપ્લાનીગ, એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ, જમીન વેચાણની આવક, કેપીટલ ગ્રાન્ટની આવકની રીવાઇઝડ અંદાજો અને કારણોની વાસ્તવીકતા છૂપાવી શહેરીજનોને વધુ એક વખત ઉંઘા ચશ્મા પહેરાવામાં આવ્યા છે.