બાળકોને માત્ર રમકડાં કે ભેટ-સોગાદો આપવા પૂરતું સીમિત ન રાખતા, જો તેમને નાનપણથી જ નાણાં (પૈસા) સાચવવાનો અને સમજવાનો હુનર શીખવવામાં આવે તો તેમનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બની શકે છે. બજારના નિષ્ણાતો અને નાણાકીય સલાહકારોએ બાળકોમાં નાનપણથી જ આર્થિક શિસ્ત કેળવવા માટેના 7 મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે, જે નીચે મુજબ છે:
વહેલી શરૂઆત કરો, જેથી કમ્પાઉન્ડિંગની તાકાત સમજાય:
બાળકો માટે સૌથી પહેલો નિયમ એ છે કે નાણાં રોકવાની કે બચાવવાની શરૂઆત જેટલી વહેલી થાય, તેને વધવા માટે તેટલો જ વધુ સમય મળે છે. મહાન નિવેશક વોરેન બફેટની મોટાભાગની સંપત્તિ 65 વર્ષની ઉંમર પછી બની, કારણ કે કમ્પાઉન્ડિંગ (વ્યાજ પર વ્યાજ) ને પોતાનો પ્રભાવ બતાવવા માટે સમય જોઈએ છે. વહેલી શરૂઆત કરવાથી નાની ઉંમરે ભૂલો સુધારવાની તક પણ મળે છે.
નિયમિત બચત સાથે રોકાણની ટેવ પાડો:
આર્થિક શિસ્તનો બીજો નિયમ છે કે મોટી રકમ ભેગી થવાની રાહ જોયા વગર નિયમિતપણે નાની રકમથી પણ બચત અને રોકાણ શરૂ કરવું જોઈએ. બાળકો આ નિયમ પોતાના પોકેટ મનીમાંથી થોડો હિસ્સા બચાવીને ખૂબ જ સરળતાથી શીખી શકે છે.
કમાણી વધવાની સાથે રોકાણ પણ વધારો:
ત્રીજો નિયમ એ છે કે જેમ-જેમ આવક કે પોકેટ મની વધે, તેમ-જેમ રોકાણ કે બચત પણ વધારવી જોઈએ. સામાન્ય રીતે લોકો ખર્ચા વધારી દે છે, પરંતુ નિષ્ણાતોની સલાહ મુજબ દર વર્ષે બચત અને રોકાણમાં 5 થી 10 ટકાનો વધારો કરવો જરૂરી છે.
બધો જ પૈસો એક જગ્યાએ ન લગાવો (ડાઇવર્સિફિકેશન):
બધા જ નાણાં એક જ વિકલ્પમાં મૂકવાથી જોખમ વધી જાય છે. ચોથો નિયમ એ છે કે જોખમ ઘટાડવા માટે નાણાં શેરબજાર, સુરક્ષિત સ્કીમ્સ અને સોના જેવી અલગ-અલગ જગ્યાએ વહેંચીને રોકવા જોઈએ.
બજારના ઉતાર-ચઢાવ વચ્ચે ધૈર્ય જાળવી રાખો:
બજારની અસ્થિરતા દરેક રોકાણકારના ધૈર્યની પરીક્ષા લે છે. બજાર નીચે ગગડે ત્યારે ગભરાઈને રોકાણ રોકી દેવાને બદલે લાંબા ગાળાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
રોકાણ કરતા પહેલાં ચોક્કસ લક્ષ્ય નક્કી કરો:
કોઈપણ ઉદ્દેશ્ય વગર નાણાં રોકવાથી ખોટા નિર્ણયો થઈ શકે છે. બાળકોએ શીખવું જોઈએ કે ભવિષ્યના અભ્યાસ, ઘર કે અન્ય મોટા લક્ષ્યો માટે ચોક્કસ આયોજન કરીને જ બચત કરવી જોઈએ.
કોઈની વાત માનવા કરતા તમારી જાતે તપાસ કરોઃ
આજના સોશિયલ મીડિયાના યુગમાં વ્હોટ્સએપ ટિપ્સ કે ઝડપથી અમીર બનવાની વાતોથી પ્રભાવિત થવાને બદલે બાળકોએ કોઈપણ આર્થિક નિર્ણય લેતા પહેલાં પાયાની હકીકતો અને પોતાની ક્ષમતા ચકાસવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કે અન્ય સાધનો માત્ર સહાયક બની શકે છે, પરંતુ અંતિમ સમજદારી પોતાની જ કામ આવે છે.