BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં ખાંડના વેપારીઓને ત્યાં ત્રાટકેલી ટીમો ખાલી હાથે પાછી ફરી

  • August 28, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુરવઠા વિભાગ દ્વારા ડિલર દીઠ મહત્તમ ૪૦૦ ટન ખાંડનો જથ્થો રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવ્યા બાદ રાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્રની ટીમો દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગત રોજ કરાયેલા ચેકિંગમાં ટીમો ખાલી હાથે પાછી ફરી છે.રાજકોટ સહિત રાજ્યભરમાં ખાંડના વધતા જતા ભાવને નિયંત્રણમાં રાખવા તેમજ સંગ્રહખોરી અટકાવવા સરકાર દ્વારા ખાંડના જથ્થા પર સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં મામલતદાર અને પુરવઠા તંત્રની કુલ ૧૫ ટીમોને મેદાનમાં ઉતારી શહેર તથા જિલ્લામાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોંડલ, ધોરાજી, જસદણ, રાજકોટ યાર્ડ, પરાબજાર, ડી-માર્ટ સહિતના સ્થળોએ ખાંડના જથ્થાનો વેપાર કરતા વેપારીઓના ગોડાઉન તેમજ વેચાણ કેન્દ્રો પર ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વેપારીઓ પાસે ઉપલબ્ધ ખાંડના જથ્થાની વિગતો મેળવવામાં આવી હતી અને સ્ટોક મર્યાદા મુજબ જથ્થો રાખવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. પુરવઠા તંત્રની ટીમોએ શહેરના રિલાયન્સ મોલ, ડી-માર્ટ તેમજ રાજકોટ યાર્ડ સહિતના સ્થળોએ તપાસ કરી ખાંડના ઉપલબ્ધ જથ્થાની વિગતો મેળવી હતી. પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્વારા જણાવાયું હતું કે, જિલ્લાના ખાંડના ડિલરો, હોલસેલરો તથા મોટા રિટેલરો હવે ૪૦૦ ટનથી વધુ ખાંડનો સંગ્રહ કરી શકશે નહીં. સ્ટોક લિમિટના અમલ માટે ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાંડના ભાવમાં વધારો ન થાય અને વેપારીઓ દ્વારા નિયત મર્યાદા કરતાં વધુ જથ્થો સંગ્રહિત ન કરવામાં આવે તે માટે આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી યથાવત્ રાખવામાં આવશે. હાલની તપાસ દરમિયાન એકપણ વેપારી પાસેથી સ્ટોક મર્યાદા કરતાં વધુ જથ્થો મળી આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application