BREAKING NEWS

મજૂરી કામ કરીને માંડ-માંડ ઘર બનાવ્યું, હવે તૂટશેઃ દિવ્યાંગ ભાઈ-બહેનની વ્યથા; જંગલેશ્વરમાં 50 વર્ષથી રહેતા પરિવારોની આંખોમાં આંસુ

  • February 21, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જોકે, આ વહીવટી પ્રક્રિયાની બીજી બાજુ એવા પરિવારોની લાચારી છે જેઓ દાયકાઓથી અહીં વસવાટ કરી રહ્યા છે. જંગલેશ્વર શેરી નંબર 3ના રહેવાસીઓ અત્યારે ભારે આઘાતમાં છે, કારણ કે વર્ષો જૂના મકાનો તોડી પાડવાની નોટિસ મળતા હવે તેમની સામે રહેઠાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.


દિવ્યાંગ ભાઈ-બહેનની કરુણ વેદના

જંગલેશ્વર શેરી નંબર 3માં રહેતા 43 વર્ષીય હારુનભાઈ સુમરાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, મારો જન્મ અહીં જ થયો છે અને છેલ્લા 43 વર્ષથી હું અહીં રહું છું. હું અને મારી બહેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કામ કરીને માંડ-માંડ પરિવારનું ગુજરાન ચલાવું છું. હવે જ્યારે આ મકાન તોડી પાડવાની વાત આવી છે, ત્યારે અમને સમજાયું નથી કે ક્યાં જવું?" હારુનભાઈએ વધુમાં જણાવ્યું કે, તેઓ અને અન્ય દિવ્યાંગો પોતાની રજૂઆત લઈને મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર કચેરી સુધી ગયા હતા. તેમ છતાં, બે દિવસ પહેલાં જ તેમને જાણ કરવામાં આવી કે તેમનું મકાન તોડી પાડવામાં આવશે. તેમણે ભીની આંખે પ્રશ્ન કર્યો કે, આ ઉંમરે અને આ શારીરિક સ્થિતિમાં અમારે હવે રોડ ઉપર રહેવાનો વખત આવ્યો છે.


ભાડે મકાન પણ મળતું નથી: હલીમબેનની વ્યથા

આ જ વિસ્તારમાં રહેતા હલીમબેન છેલ્લા 50 વર્ષથી અહીં સ્થાયી છે. તેમને પણ મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હલીમબેને પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું કે, "અમારા પરિવારમાં 8 સભ્યો છે. જ્યારે અમે બહાર ભાડે મકાન શોધવા જઈએ છીએ, ત્યારે આટલા મોટા પરિવારને કોઈ ભાડે મકાન આપવા તૈયાર થતું નથી. અમને કોઈ આશરો આપવા રાજી નથી, એટલે હવે અમે રોડ ઉપર રહેવાની તૈયારીઓ કરી રહ્યા છીએ."


જે લોકો સ્વેચ્છાએ મકાન ખાલી કરીને સામાન ખસેડવા માંગતા હોય, તેમના માટે કોર્પોરેશન દ્વારા ટ્રેક્ટરની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે નિયમ મુજબ દબાણો હટાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે, પરંતુ સ્થાનિકોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાને લઈને ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.


એક તરફ તંત્ર શહેરના વિકાસ અને જમીન સંપાદન માટે મક્કમ છે, તો બીજી તરફ દાયકાઓથી રહેતા ગરીબ અને દિવ્યાંગ પરિવારોની લાચારી વહીવટી તંત્ર સામે સવાલો ઉભા કરે છે. પ્લોટની ફાળવણી કાગળ પર છે કે વાસ્તવમાં તેમને છત મળશે, તે તો સમય જ બતાવશે. હાલ તો જંગલેશ્વરના આ પરિવારો પોતાના માલ-સામાન સાથે રસ્તા પર આવવા મજબૂર બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application