જામનગર સહિત સમગ્ર હાલારમાં ગાત્રો થીજાવતી ઠંડી ચાલું રહી છે, લગભગ દશેક દિવસથી ઠંડીનો માહોલ જોવા મળે છે, ગઇકાલે પણ હાલાર શીત લહરમાં ફેરવાયું હતું અને ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, આગામી દિવસોમાં પણ હજુ કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે, ત્યારે લોકો હજુ પણ ગરમ કપડામાં વિંટળાયા છે, જામનગર સહિત ગામડાઓમાં ઠેર-ઠેર તાપણા ચાલી રહ્યા છે અને હજુ ચાર દિવસ કાતિલ ઠંડીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે ત્યારે તા.૩૦ના રોજ વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને બર્ફીલો પવન ફુંકાશે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.
છેલ્લા ૧૦-૧૦ દિવસથી કાતિલ ઠંડીમાં હાલાર લપેટાયું છે, જો કે ઠંડીને કારણે મગફળી, કપાસ, જીરૂ, ચણા સહિતના પાકને સારો એવો ફાયદો થઇ રહ્યો છે, સામાન્ય રીતે મકરસંક્રાંતિ પછી ધીરે-ધીરે ઠંડી ઓછી થતી જાય છે, પરંતુ જામનગર સહિત સમગ્ર હાલારમાં હજુ પણ ઠંડી યથાવત છે, આ વખતે લગભગ એકાદ મહીનો મોડી શરૂ થઇ છે, જેને કારણે હવામાન ખાતાના કહેવા મુજબ હજુ ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ દિવસ હાલારમાં ઠંડી અડીંગો જમાવશે.
રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે.
લગભગ ૧૪ દિવસથી જામનગર સહિત સમગ્ર હાલાર ઠંડીમાં લેપટાયું છે અને હજુ લગભગ ૧૫ ફેબ્રુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે ત્યારે એક મહીનો ઠંડી મોડી શરૂ થઇ છે અને આ વખતે ઠંડી લંબાશે. હાલારના પાકોને સારો એવો ફાયદો થશે અને જામનગર સહિત ગામડાઓમાં પણ ઠંડીના માહોલથી જનજીવન પર અસર થઇ છે.