સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં ફેરફાર શરૂ થઈ ગયો હતો. મહત્તમ તાપમાનમાં ઘટાડા થયો છે અને તેવી જ રીતે આજે સવારે લઘુતમ તાપમાનમાં પણ બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન પણ એટલે બધી ઊંચે ચડી ગયું હતું કે બે ડિગ્રીના ઘટાડા પછી પણ ઠંડકની અનુભૂતિ થતી નથી.
ગિરનાર પર્વત પર 8.6 ડિગ્રી કકડતી ઠંડી
ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 12.6 અને ભવનાથ તળેટીમાં 10.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% જેટલું ઊંચું રહેવા પામ્યું હતું.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી હતું
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી હતું તે આજે ઘટીને 14.5 ડિગ્રી થયું છે. અમરેલીમાં 13, ભાવનગરમાં 16, ભુજમાં 17.2, નલિયામાં 15.2, કંડલામાં 17.6, પોરબંદરમાં 15.2, વેરાવળમાં 16.9, અમદાવાદમાં 17.2, વડોદરામાં 14.2, ડીસામાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
શનિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું
શનિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું. જોકે ગઈકાલ સાંજથી વાતાવરણમાં ફેરફાર શરૂ થયો હતો અને ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું .રાજકોટની જેમ જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં પણ ગઈકાલે ઘટાડો થયો છે. ભુજ ડીસા રાજકોટ સુરત વેરાવળ અને કંડલા સિવાયના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે.
જમ્મુ-કાશ્મીર લદાખમાં ભારે હિમવર્ષા
જમ્મુ-કાશ્મીર, લદાખમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુકાય છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસમાં હજુ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું ઉતરશે.