ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય બાદ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ રાજકોટમાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે. બીજી તરફ, વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આમ, રાજ્યમાં એક તરફ દિવસ દરમિયાન ગરમી અને બીજી તરફ સવારે-રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, 10 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી શનિવાર સુધીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે.
ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.1 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા અને વડોદરામાં પણ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગર, સુરત, કંડલા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ચોમાસાની વિદાય બાદ વરસાદની શક્યતા ઘટતાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ વધી રહ્યો છે. જોકે, હાલના અનુમાન પ્રમાણે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હવામાન વિભાગના રાષ્ટ્રીય બુલેટિન અનુસાર, નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી અને હરનાઈ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. આગામી બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હાલ વરસાદથી રાહત રહેવાનો અંદાજ છે.