સંક્રાતિના તહેવાર પછી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે અને શિયાળાની સિઝન વિદાય લેતી હોય છે પરંતુ આ વખતે હજુ શિયાળાએ જમાવટ પણ કરી નથી. કોલ્ડ વેવનો એક પણ રાઉન્ડ ગુજરાતમાં હજુ સુધી આવ્યો નથી. મહતમ તાપમાન 30 ડિગ્રીથી નીચે ભાગ્ય જ ઉતર્યું છે અને લઘુતમ તાપમાન પણ 15 ડિગ્રીની રેન્જમાં રહેવા પામ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માટે લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને ત્યાર પછી પાંચ દિવસ સુધી તેમાં વધારો થશે.
આજે કંડલામાં 90, રાજકોટમાં 81, સુરતમાં 88, અમદાવાદમાં 83, અમરેલીમાં 88 અને વડોદરામાં 84 ટકા ભેજ સવારે નોંધાયો હતો અને હળવું ધુમ્મસ પણ છવાયું હતું. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આ વાતાવરણ વિખેરાઈ ગયું હતું.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી રહેવા પામ્યું છે. તે સિવાય બાકી બધે જ લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં રહેવા પામ્યો છે. નલિયામાં 15.6, ડીસામાં 14.4, રાજકોટમાં 15, પોરબંદરમાં 14.5, વેરાવળમાં 18.6, ભાવનગરમાં 16.6, ભુજમાં 16.6, અમરેલીમાં 13.8, જુનાગઢ શહેરમાં 14.8 અને ભવનાથ તળેટીમાં 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે. અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13, સુરતમાં 16.4, વડોદરામાં 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, અંદમાન નિકોબાર સહિતના સ્થળોએ વરસાદ માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.