માવઠાના કારણે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા છેલ્લા થોડા દિવસોથી ગરમીમાં રાહત મળી હતી. મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી લોકોને રાહત મળી હતી. જોકે હવે આ રાહત આજથી બંધ થશે અને ફરી ગરમીનું જોર ધીમે ધીમે વધતું જશે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના છે અને તે જોતા ફરી મહત્તમ તાપમાન અનેક જગ્યાએ 38 થી 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે.
માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં આગામી ચાર-પાંચ દિવસ ગરમીનું પ્રમાણ વધી જશે. નોર્થ- વેસ્ટના રાજ્યોમાં છ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આવી જ રીતે ઇસ્ટ સેન્ટ્રલના રાજ્યોમાં પણ ગરમીનું જોર વધશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ 22 અને ત્યાર પછી તારીખ 26 ના રોજ એમ ઉપરા ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. અત્યારની સ્થિતિએ કરવામાં આવેલા આકલન મુજબ આ બંને સિસ્ટમ ઘણી પ્રભાવશાળી છે અને તે નોર્થ વેસ્ટના મોટાભાગના રાજ્યોને અસર કરશે. આ સિસ્ટમના કારણે ફરી માવઠાની પણ ભીતિ ઉભી થઈ છે.
દરમિયાનમાં આજે કચ્છ અને ડીસામાં તથા અમદાવાદ ઇડર સહિતના સ્થળોએ હળવાથી મધ્યમાં વરસાદ માટેની શક્યતા છે. જોકે માવઠાનું જોર નબળું પડી ગયું છે. આજે કંડલા -ઓખામાં સવારે જાકળ જોવા મળી હતી. આ બંને શહેરોમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા થઈ ગયું હતું. આ ઉપરાંત નલિયા અને પોરબંદરમાં 83 વેરાવળમાં ૮૨ ટકા ભેજ નોંધાયો છે. શુક્રવારના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં 33.9, અમરેલીમાં 32.1, ભાવનગરમાં 30.9, ભુજમાં 32, દ્વારકામાં 28.2, કંડલામાં 34.2, નલિયામાં 31, ઓખામાં 29, પોરબંદરમાં 31.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.