BREAKING NEWS

ગોદડા-ધાબળા કાઢી રાખજો, રવિવારથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી

  • December 19, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાપમાનમાં વધારો અને ઠંડીના પ્રમાણમાં ઘટાડાનો સિલસિલો આજે પણ આગળ વધ્યો છે. જોકે હજુ બે દિવસ સુધી આ પ્રમાણે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો ચાલુ રહેશે પરંતુ રવિવારથી ફરી વાતાવરણમાં પલટો આવશે અને ધીમે ધીમે લઘુતમ તથા મહત્તમ તાપમાન ઘટવાનું શરૂ થશે. રવિવારથી ફુલ ગુલાબી ઠંડીના ચમકારાના દિવસો ફરી શરૂ થઈ જશે.


હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેને સાથો સાથ સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જોવા મળે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યાર સુધી જમ્મુ કશ્મીર લદાખ હિમાલયન રિજીયનમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આવતીકાલથી તેમાં જોરદાર વધારો થશે. પવનની દિશા પણ બદલાઈ તેવી શક્યતા છે અને પૂર્વ દિશામાંથી પવનો ફુકાવાનું શરૂ થાય એવું લાગે છે. જો આમ બનશે તો રવિવારથી તાપમાનમાં ઘટાડાની સાથો સાથ બરફીલા પવન પણ ફૂકાશે.


ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો ગિરનાર પર્વતને બાદ કરતા સર્વત્ર સિંગલ ડીઝીટમાં આવી ગયો છે. ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન 7.2 ડીગ્રી નોંધાયું હતું. નલિયામાં તેનાથી ડબલ 14.8 ડિગ્રી અને ડીસામાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજકોટમાં આજનું મિનિમમ ટેમ્પરેચર 15 ડિગ્રી, પોરબંદરમાં 16.4, વેરાવળમાં 17.9, અમરેલીમાં 11.2, ભાવનગરમાં 14, ભુજમાં 16.1 અને જૂનાગઢમાં 12.2 ડીગ્રી નોંધાયું છે.


મહત્તમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં દિવસ દરમિયાન જાણે ઉનાળો ચાલુ હોય તેવું વાતાવરણ છે. ગુરુવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.1 ડીગ્રી નોંધાયું હતું. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. અમરેલીમાં 31.5, ભુજમાં 33.3, ડીસામાં 32, દ્વારકામાં 31.6, કંડલામાં 30.5, નલિયામાં 31.2, પોરબંદરમાં 32.7, સુરતમાં 33 અને વેરાવળમાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.


પંજાબ હરિયાણા ચંડીગઢ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઓડીસા પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું઼ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોલ્ડ વેવ જાહેર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application