BREAKING NEWS

ગુજરાતમાં શનિવારથી ગરમી ભુક્કા કાઢશે, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધી જશે

  • April 08, 2026 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાદળીયા અને ભેજવાળા વાતાવરણના કારણે તથા ગઈકાલે માવઠું થવાના કારણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે. પરંતુ હવે આગામી શનિવારથી ગરમી ભુક્કા કાઢશે. હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી તારીખ 11 થી 13 દરમિયાન ગરમીના પ્રમાણમાં નોધપાત્ર વધારો થવાની ચેતવણી આપી છે.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત કર્ણાટક અને કેરળમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે કેરલમાં તારીખ 8 અને 9 તથા કર્ણાટકમાં તારીખ 9 થી 11 ગરમીનું પ્રમાણ સામાન્યથી ઘણું વધારે રહેશે જો કે હવામાન વિભાગ દ્વારા હજુ સુધી આ મામલે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ જેવા કોઈ કલર કોડ જાહેર કર્યા નથી. તમિલનાડુ માટે ગરમીનું કોઈ એલર્ટ જાહેર કરાયું નથી પરંતુ આમ છતાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ત્યાં ગરમી વધુ છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન તામિલનાડુના વેલ્લોરમાં 42.2 ડિગ્રી નોંધાયું હતું


ગઈકાલે રાજ્યના 49 તાલુકામાં સામાન્યથી બે ઇંચ વરસાદ થયો હતો. આજે પણ દ્વારકા, ભુજ, રાજકોટ, વેરાવળ, ડીસા, અમદાવાદ, વડોદરા, ઇડર, અમરેલી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારે વાદળીયુ અને ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, સવારે ભેજનું પ્રમાણ વધુ રહેતા ગરમીમાં રાહત મળી હતી. જોકે રાજકોટ, અમદાવાદ અને અમરેલી જેવા શહેરોમાં તો ગઈકાલે પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમરેલીમાં 36.7, અમદાવાદમાં 36.6, રાજકોટમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભાવનગર, ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું હતું. જો કે સવારે ભેજનું પ્રમાણ દ્વારકામાં 76, કંડલામાં 78, રાજકોટમાં 81, વેરાવળમાં 84, દીવમાં 81, અને સુરતમાં 70% નોંધાયું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં તોફાની પવન અને મેઘગર્જના સાથે ગઈકાલે માવઠું થયું હતું. આજે પણ અનેક રાજ્યોમાં માવઠાની શક્યતા છે. આગામી તારીખ 11 ના રોજ વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેનો પ્રભાવ હિમાલયન રીજીયનમાં વધુ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application