BREAKING NEWS

આગ લાગી એ શ્રી હરિ કોમ્પલેક્સનો ટેરેસ ડોમ ગેરકાયદે, ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનો જ નહીં

  • October 14, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં સોની બજાર પાસે દીવાનપરા શેરી નં.૧૦માં આવેલા શ્રી હરિ કૉમ્પ્લેક્સમાં કાર્યરત દિવ્યેશ એમ.પાટડિયા અને ચંદ્રેશ એમ. પાટડિયાની સુવર્ણ જ્યોતિ ક્રિએશન પેઢીના ટેરેસ ડોમમાં ગત મધરાતે વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. ભારે જહેમત બાદ વ્હેલી સવારે આગ કાબૂમાં આવી હતી. દરમિયાન આજે ખુલતી કચેરીએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરી છે, દરમિયાન જ્યાં આગ ભભુકી તે ટેરેસ ડોમ સંપૂર્ણ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે તેમજ બિલ્ડિંગ પાસે ફાયર એન.ઓ.સી. અને ફાયર સેફટીના સાધનો પણ નહીં હોવાનું સામે આવ્યું હતું.


રાજકોટ મહાપાલિકા ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.આર.સુમરાએ જણાવ્યું હતું કે આજે સવારે તેમણે ઉપરોક્ત કૉમ્પ્લેક્સ ખાતે રૂબરૂ જઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું, ટેરેસ ડોમ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ઉભો કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્થળ મુલાકાતનું રોજકામ કરી રિપોર્ટ સબમિટ કર્યાનું તેમણે ઉમેર્યું હતું. સુમરાએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી હરિ કૉમ્પ્લેક્સ બિલ્ડિંગનું બીયુપી ( કમ્પ્લિશન સર્ટિફિકેટ) વર્ષ-૨૦૧૭નું હોવાનું રેકર્ડ ચકાસતા માલૂમ પડ્યું છે. બિલ્ડરનું નામ ખ્યાલ નથી તેમ કહ્યું હતું. હવે ડોમ તાત્કાલિક અસરથી દૂર કરવા નોટિસ ફટકારાશે. આ ડોમ સોલાર હિટરને કોર્ડન કરવા બનાવ્યો હોવાનું સ્થળ મુલાકાત દરમિયાન તેમને જણાવવામાં આવ્યું હોવાનું સુમરાએ કહ્યું હતું. ( અત્રે ઉલ્લેખનીય છે કે સોલાર હંમેશા ખુલામાં જ હોય તેને ઢાંકવા કે કોર્ડન કરવાનું ન હોય તે સૌ સમજી શકે છે પરંતુ અધિકારીઓને આવો નાદાન ખુલાસો ગળે ઉતરી ગયો છે !)


જ્યારે રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, શ્રી હરિ કૉમ્પ્લેક્સ પાસે ફાયર એનઓસી ન હતું તેમજ કૉમ્પ્લેક્સમાં ફાયર સેફટીના કોઇ પણ પ્રકારના સાધનો ઉપલબ્ધ ન હતા. તેમણે ઉમેર્યું હતું કે આગ લાગી તે બિલ્ડિંગ વિસ્તાર વોર્ડ નં.૭માં એટલે કે શહેરના મુખ્ય કનક રોડ ફાયર સ્ટેશન હેઠળ સમાવિષ્ટ છે. અગાઉ આ બિલ્ડિંગમાં ક્યારેય ફાયર સેફટીનું ચેકીંગ કર્યું છે કે કેમ ? અન્ય કૉમ્પ્લેક્સને અપાય છે તે રીતે અગાઉ ક્યારેય કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી આ બિલ્ડિંગને નોટિસ અપાય છે કે કેમ ? તેમ પૂછતાં તેમણે ખ્યાલ નથી તેમ જણાવ્યું હતું ! સાથે જ ઉમેર્યું હતું કે સાંકડા બજાર વિસ્તારમાં ખૂણે ખાંચરે આવેલું કોઇ કૉમ્પ્લેક્સ ચેકીંગ ડ્રાઈવ દરમિયાન ધ્યાને ન આવ્યું હોય તેવું બની શકે છે ! હવે વિકરાળ આગ ભભુક્યા બાદ નમૂના-ખ મુજબની નોટિસ આપશે તેમ ઉમેર્યું હતું.


સોની બજારમાં ફાયર ફાઇટર પ્રવેશી શકે તેમ નથી

રાજકોટની સોની બજારમાં જો વિકરાળ આગ ભભૂકે તો ફાયર ફાઇટર પ્રવેશી શકે તેમ નથી તે સર્વ વિદિત છે. સોની બજારના વિવિધ કૉમ્પ્લેક્સમાં સોના ચાંદી તેમજ ઇમિટેશનના દાગીના બનાવવાનું કામ મોટા પાયે ચાલે છે જેની ભઠ્ઠીઓની આગ ક્યારેક સમગ્ર વિસ્તારને લપેટમાં લઇ લે તો નવાઈ રહેશે નહીં. સોની બજારના અનેક કોમ્પ્લેક્સમાં પણ ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનોની સુવિધા નથી.


સોની બજારના અનેક કોમ્પ્લેક્સમાં આવા ડોમ

રાજકોટની સોની બજાર વર્ષોથી ગેરકાયદે બાંધકામો અને મિલકતવેરા ચોરી માટે કુખ્યાત છે, સોની બજાર અને દિવાનપરાના અનેક કોમ્પ્લેક્સમાં ટેરેસ ડોમ ઊભા કરાયા છે. આશ્ચર્યજનક કારણોસર અહીં ક્યારેય કોઇ પ્રકારનું ચેકીંગ કરાતું નથી. રેકર્ડ ઉપર રહેણાક મકાનોના મિલકતવેરા બિલ છે અને ખરેખર સ્થળ ઉપર મસમોટા શો રૂમ ધમધમી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application