ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં વસવાટ કરતો હતો.
મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો
એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો તેમજ અન્ય સંપર્કો દ્વારા તે ધીમે ધીમે રેડિકલાઈઝ થયો હોવાનું એટીએસનું કહેવું છે. તપાસ મુજબ, તેણે સમાજમાં ભય અને અરાજકતા ફેલાવવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ કરી હુમલો કરવાનું કાવતરૂ ઘડ્યું હતું.
કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આતંકી કૃત્યને અંજામ આપવા માટે ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મેળવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એટીએસની ટીમે તેની પાસેથી હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને શંકા છે કે આરોપી રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો, જો કે સમયસર કાર્યવાહી થવાથી મોટી ઘટના ટળી છે.
ધરપકડ બાદ ફૈઝાન શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી એટીએસને તેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ એટીએસ તેની સઘન પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન તેને હથિયારો કોણે પૂરાં પાડ્યાં, તેની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે કેમ, તેમજ તેને આર્થિક સહાય પૂરી પાડનાર વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફૈઝાન નવસારીમાં ટેલરિંગનું કામ કરતો
ફૈઝાન શેખ નવસારીના ઝારાવાડ અને ચારપુલ વિસ્તારમાં રહેતો હતો અને ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. નવસારીમાં મોટા પાયે જોબ વર્ક થતું હોવાથી ઉત્તરપ્રદેશના અનેક કારીગરો અહીં કામ કરે છે. આ વાતનો લાભ લઈ આરોપી અહીં સ્થાયી થયો હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાની નજર રાખવામાં આવી રહી છે. એટીએસએ પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા સામે ખતરો ઊભો કરનાર કોઈપણ તત્વ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.