BREAKING NEWS

જર્મનીમાં ભારતીયો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત માટે હું ચાન્સેલર મર્ઝનો આભાર માનું છુંઃ પીએમ મોદી

  • January 12, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ જણાવ્યું હતું કે, આજે અમે સ્પોર્ટ્સમાં સહયોગ આગળ વધારવા માટે નક્કર પગલાં ભર્યાં છે. આ યુવાઓને જોડવાનું એક પ્રભાવી માધ્યમ બનશે. આજે હાયર એજ્યુકેશન પર બનેલો કોમ્પ્રોહેન્સિવ રોડમેપ શિક્ષણના ક્ષેત્રમાં આપણી ભાગીદારીને નવી દિશા આપશે. હું જર્મન યુનિવર્સિટીઝને ભારતમાં કેમ્પસ ખોલવા માટે આમંત્રિત કરું છું. ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટની ઘોષણા માટે હું ચાન્સેલર મર્ઝનો આભાર માનું છું. તેનાથી બન્ને દેશના લોકો વચ્ચે નિકટતા વધુ વધશે. મને ખુશી છે કે, ગુજરાતના લોથલમાં બનાવવામાં આવી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સથી જર્મન મેરિટાઇમ મ્યૂઝિયમ જોડાઈ રહ્યું છે. આ બન્ને દેશોની મેરિટાઈમ હિસ્ટ્રીને જોડનારું ઐતિહાસિક પગલું છે. ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો જર્મની સાથે સહયોગ રહ્યો છે. આ મહત્વપૂર્ણ વિષય પર આજે કરવામાં આવી રહેલા MOUથી આપણા સહયોગને વધુ બળ મળશે.


વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે ઐતિહાસિક અને ઉંડાણભર્યા સંબંધોનું એક મજબૂત બોન્ડિગ છે. રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓએ જર્મનીના બૌદ્ધિક જગતને નવી દ્રષ્ટી આપી, સ્વામી વિવેકાનંદની વિચારધારાએ જર્મની સહિત આખા યુરોપને પ્રેરિત કર્યાં અને મેડમ કામાએ જર્મનીમાં પહેલીવાર ભારતની આઝાદીનો ધ્વજ લહેરાવી અમારી સ્વતંત્રતાની આકાંક્ષાઓને વૈશ્વિક ઓળખ અપાવી. આજે અમે આ ઐતિહાસિક સંબંધને આધુનિક ભાગીદારીનું રૂપ આપી રહ્યા છીએ. માઇગ્રેશન, મોબિલિટી અને સ્કિનિંગ વધારવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ભારતની ટેલેન્ટેડ યુવા શક્તિ જર્મનીની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે ગ્લોબલ સ્કિલ્સ પાર્ટનરશિપ પર જારી કરાયેલું જોઇન્ટ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્શન આ જ ભરોસાનું પ્રતીક છે. જેનાથી ખાસ કરીને હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે.


વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજનમાં બન્ને દેશોની કંપનીઓના નવા મેગા પ્રોજેક્ટ ભવિષ્ય માટે ગેમચેન્જર સાબિત થશે. ભારત અને જર્મની સિક્યોર, ટ્રસ્ટેડ, રિજિલિયન્ટ સપ્લાય ચેનના નિર્માણ માટે મળીને કામ કરે છે. આ તમામ વિષયો પર આજે કરવામાં આવી રહેલા MOU પર આપણા સહયોગને નવી ગતિ મળશે. રક્ષા અને સુરક્ષામાં વધતો સહયોગ આપણા પરસ્પર વિશ્વાસ અને સહજ વિચારધારાનું પ્રતીક છે. રક્ષા વેપાર સાથે સંકળાયેલી પ્રાથમિકતાઓને સરળ બનાવવા માટે હું ચાન્સેલર મર્ઝનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. અમે રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે એક રોડ મેપ પર પણ કામ કરીશું. જેનાથી કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શનની તકો ઉઘડશે.


આગળ પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે ટેકનોલોજી સહયોગ પ્રતિ વર્ષ મજબૂત થયો છે. આજે તેનો પ્રભાવ જમીન પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત અને જર્મનીની પ્રાથમિકતાઓ સમાન છે. આ સહયોગને વધારવા માટે અમે ઇન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશનનો સંયુક્ત મંચ બનશે. અમે ક્લાઇમેટ, એનર્જી, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન મોબિલિટી જેવા ક્ષેત્રોમાં મળીને નવી પરિયોજનાઓને આગળ વધારી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News