BREAKING NEWS

દ્વારકા : કાર્તિક પૂર્ણિમાએ હજારો દિપકથી ઝળહળી ઉઠ્યું જગતમંદિર

  • November 06, 2025 12:06 PM 



દ્વારકા યાત્રાધામમાં હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે, નવા વર્ષની પ્રથમ પૂનમ એટલે કાર્તિક પૂર્ણિમા તથા હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, ગઇકાલે ભક્તજનોએ ગોમતીમાં સ્નાન કરી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ગઇકાલે વ્હેલી સવારથી જ ભક્તજનોની કતાર છપ્પન સીડીએથી લાગી હતી, કાર્તિકી પૂર્ણિમાએ દ્વારકાધીશ જગતમંદિરનું ખૂબ જ મહત્વ છે. ગઇકાલે મંદિરમાં તથા મંદિર પરિસર રાણીવાસમાં હજારો દિપકો ગોઠવવામાં આવ્યા હતા, જેના લીધે જગતમંદિર પરિસર દિપકોથી ઝળહળી ઉઠ્યું હતું.


દ્વારકા યાત્રાધામમાં આજરોજ કારતક પૂર્ણિમા પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પવિત્ર ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શનની પરંપરા હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટો પર ભાવિકોની ભીડ ઉમટી હતી. 


દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે, તેમાં પણ હાલમાં શરૂ થયેલ વિક્રમ સંવત ર૦૮ર ની સૌ પ્રથમ પૂર્ણિમા એટલે કે કારતક પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતાં. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખુલ્યા હોય, પવિત્ર ગોમતી સ્નાન પછી ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટ્યા હતાં.


જગતમંદિરે કાળીયાઠાકોરને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, દેવદિવાળીના પાવન અવસરે શ્રીજીને મઘ્યાહને રાજભોગનો વિશેષ ભોગ ધરવામાં આવ્યો હતો, સાંજના સમયે નીજ મંદિર તથા નીજ સભાગૃહમાં રંગોળી તથા દિપમાલા સુશોભન કરવામાં આવ્યા હતા.  જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application