ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પર તોળાતું સંકટ આખરે ટળી ગયું છે. પાકિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે ૧૫ ફેબ્રુઆરીના રોજ ભારત સામે રમવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય પાછળ પાડોશી દેશોની રાજદ્વારી દખલગીરી અને ક્રિકેટના હિતને કારણભૂત માનવામાં આવી રહ્યું છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશની ‘મધ્યસ્થી’ કામ કરી ગઈ
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 'ડોન' (Dawn) ના જણાવ્યા મુજબ પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ અને પડોશી દેશોની અપીલ બાદ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિનો ફોન
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી અને રમતની ભાવના જાળવી રાખવા વિનંતી કરી હતી.
BCB ની અપીલ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ અમીનુલ ઈસ્લામે પણ અપીલ કરી હતી કે સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમના હિતમાં પાકિસ્તાને ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવી જોઈએ.
વિવાદનું મૂળ કારણ
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશને આ T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું. આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની સૌથી મોટી મેચનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. પાકિસ્તાન સરકારનું માનવું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને તેના વિરોધમાં તેઓ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં.
શરતો પર ગુંચવણ
મેચ રમવાની સહમતી તો મળી ગઈ છે, પરંતુ શરતોને લઈને હજુ પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે:
પાકિસ્તાન મીડિયાનો દાવો: પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) એ રાખેલી તમામ શરતો ICC એ સ્વીકારી લીધી છે.
ભારતીય મીડિયાનો દાવો: બીજી તરફ, 'ઈન્ડિયા ટુડે' ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ICC એ પાકિસ્તાનની ત્રણેય મુખ્ય માંગણીઓને ફગાવી દીધી છે.