રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાનો ટીપી બ્રાન્ચને લગતો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો જેનો ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારે વિસ્તૃત પ્રત્યુત્તર આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૪૨ ટીપી સ્કિમો મંજૂર કરવામાં આવેલી છે જેમાં વિવિધ હેતુના રિઝર્વેશનના ૧૬૨૦ પ્લોટ્સ મનપાને મળ્યા છે અને તે પૈકી ૪૭૫ પ્લોટ્સ વિકસિત થયા છે, મતલબ કે તેમાં કોઇને કોઇ વિકાસકામો થયા છે, જ્યારે ૩૬૮ પ્લોટ્સમાં દબાણગ્રસ્ત છે.
ટીપીઓએ જણાવ્યું હતું કે, કુલ ૪૨ ટીપી સ્કીમોમાં ૧૬૨૦ અનામત પ્લોટ મળ્યા તેમાં વેસ્ટ ઝોનમાં ૧૦૧૬, સેન્ટ્રલ ઝોનમાં ૩૦૪ અને ઇસ્ટ ઝોનમાં ૩૦૦ પ્લોટ આવેલા છે. ૧૬૨૦ પૈકી ૪૭૫ પ્લોટ હેતુ અનુસાર વિકસિત થયા છે, જ્યારે અન્ય પ્લોટમાં ભવિષ્યમાં વિકાસ થશે.
દરમિયાન પ્રશ્નકર્તા ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ વિસ્તૃત પ્રત્યુત્તર આપી રહેલા ટીપીઓને અટકાવીને પેટા પ્રશ્નો પૂછ્યા હતા કે ગાર્ડન, આરોગ્ય કેન્દ્ર, પાર્કિંગ વિગેરે હેતુના કેટલા પ્લોટ્સ છે ? તેમાંથી કેટલા સોંપવાના બાકી છે ? ટીપી સ્કીમોના રિઝર્વેશનના પ્લોટ્સમાં દબાણો કેમ થઇ જાય છે ? કેટલા પ્લોટ્સ દબાણગ્રસ્ત છે ? અને તેમાંથી દબાણો દૂર કરવા માટેનું શું આયોજન છે ?
પેટા પ્રશ્નોના પ્રત્યુતરમાં ટીપીઓએ જણાવ્યું હતું કે, જે ૩૬૮ પ્લોટમાં દબાણ છે તે ટીપી સ્કીમો બન્યા પૂર્વેથી અસ્તિત્વમાં છે. દરમિયાન આ પ્રશ્નની પૂરક ચર્ચામાં પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ પણ જોડાયા હતા અને તેમણે એવું સૂચન રજૂ કર્યું હતું કે દરેક ટીપી પ્લોટ ફરતે તાત્કાલિક અસરથી ફેન્સિંગ કરવું જોઇએ જેથી દબાણો થતા અટકે તેમજ જ્યારે કોઈ વિકાસકામો કરવાના હોય ત્યારે રિઝર્વેશનના પ્લોટ તુરંત આઇડેન્ટીફાઈ પણ થઇ શકે.હજુ ટીપીઓ આ પ્રશ્નનો જવાબ આપે તે પૂર્વે લુણાગરિયા એ ફરી પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે ટીપી સ્કીમોના જે પ્લોટ ફરતે હાલમાં ફેન્સિંગ છે ત્યાં ફેન્સિંગ તોડીને દબાણો થઇ જાય છે તો તે મામલે જવાબદારી કોની ? ટીપી બ્રાન્ચ શું કરતી હોય છે ? આ પ્રશ્નની ચર્ચામાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલ પણ જોડાઇ ગયા હતા અને પેટા પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. અડધો કલાક સુધી આ મામલે ચર્ચા ચાલ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા હરકતમાં આવ્યા હતા અને તેમણે બોર્ડને એવી ખાતરી આપી હતી કે ટીપી સ્કીમોના રિઝર્વેશનના પ્લોટ્સનો સર્વે કરાવી ચોમાસા બાદ તમામ દબાણો દૂર કરાવીશું.
બકાલા માર્કેટ જેવી નહીં, કોર્ટ જેવી કામગીરી
રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં હાલ સુધી શાક બકાલા માર્કેટ જેવો શોરબકોર થતો અને એક કલાકમાં ફ્ક્ત એક પ્રશ્નની ચર્ચા કરી પ્રશ્નકાળ પૂર્ણ કરી દેવામાં આવતો હતો તેમજ જવાબ ફ્ક્ત કમિશનર જ આપતા હતા. જ્યારે હવે દરેક પ્રશ્ન અંગે લગત અધિકારીએ જ જવાબ આપવાનો નિયમ અમલી કરાયો છે તેમજ ઊંડાણપૂર્વક ચર્ચા કરી નિષ્કર્ષ સુધી આવવાની કોર્ટ જેવી કામગીરી થઇ રહી છે.