આવતી કાલ તારીખ ૧૭ ને મંગળવારના રોજ નભો મંડળમાં ’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર તેમજ રંગતાળી ગ્રુપ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રહણ એટલે શું ? તેના પ્રકાર પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ગ્રહોની રસપ્રદ વાતો, હાથવગા સાધનો જેવાકે પીનહોલ કેમેરા,બોક્સ કેમેરા, ફિલ્ટર, મિરર ઇમેજ, ગ્રહણ ચશ્મા નું નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ એ આવતીકાલે તા. ૧૭-૨-૨૦૨૬ ને મંગળવાર માધ મહિના ની અમાસ ના દિવસે બપોરે ૪.૪૫ વાગ્યા બાદ થનાર છે. જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટના માધ્યમથી જોવા માટે ની વ્યવસ્થા જામનગર મહાપાલિકા ના સહયોગથી કરવામાં આવી છે.
આ ખગોળીય ઘટનાનો લાભ લેવા જામનગર જિલ્લાની તમામ ખગોળપ્રેમી જનતાને કિરીટભાઈ શાહ, સંજયભાઈ જાની, ધર્મેશભાઈ મહેતા, અને સુધાબેન ખંઢેરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.