રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પુનીતનગરમાં રહેતાં અને અગાઉ સંખ્યાબંધ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા પેંડા ગેંગના સગારીત ગણાતા યશ ઉર્ફે ઠુઠી બકરાણીયાએ નવલનગર-૯ના છેડે ભાજપના વોર્ડ નં.૧૨ ના મીડિયા સેલના પ્રુમખ મયુરભાઇ ઉર્ફે જયેશ સિંધવ કાર અને બે ટુવ્હીલરને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા વાહન બળીને ખાક થઈ ગયા હતાં. માલવીયાનગર પોલીસે આરોપીને સકંજામાં લઈ પુછતાછ કરતા ગત શુક્રવારે ગોકુલધામના ગેઈટ નજીક આ શખસ પર ગાળો બોલવા બાબતે નવલનગરના ભરવાડ ભાઈઓ સહિતે હુમલો કરી મારકુટ કરી હતી. જેનો ખાર રાખી આ કૃત્ય આચર્યાનું રટણ કર્યું હતું. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
કાર અને બંને ટુ-વ્હીલર ખાક થઇ ગયા
જાણવા મળતી વિગતો મુજબ, નવલનગર-૯ના છેડે રહેતાં મયુરભાઇના મોટા ભાઈ ભરતભાઈ કાળભાઈ સિંધવની સ્વીફ્ટ કાર અને એક એક્ટીવા તથા એક ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં રાતે પોણા ત્રણથી વાગ્યા આસપાસ ભડકા થતાં ભરતભાઇ તથા આડોશી પાડોશી જાગી ગયા હતાં અને આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે પહોંચ્યો હતો અને આગ એલવી હતી. જો કે એ પહેલા કાર અને બંને ટુ-વ્હીલર ખાક થઇ ગયા હતાં.
ત્રણેય વાહન સંપૂર્ણપણે બળીને ખાક
જયેશભાઈના કહેવા મુજબ તેના આ વાહનોમાં પુનીતનગરના નામચીન શખસ યશ ઉર્ફ ઠુઠી બકરાણીયાએ આગ લગાવી દીધી હતી. યશ રાતે પોણા ત્રણ વાગ્યે ટુ-વ્હીલર લઈને આવ્યો હતો અને તેની પાસે રહેલા શીશામાંથી પેટ્રોલ કાઢી કાર તથા બે ટુ-વ્હીલર પર છાંટ્યું હતું. પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી. આગમાં ત્રણેય વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા હતાં.
શુક્રવારે રાતે માથાકૂટ થઈ હતી
ભરતભાઈએ જણાવ્યું હતું કે, ગયા શુક્રવારે રાતે ગોકુલધમના ગેઈટ પાસે મારા ભાઈ જયેશભાઈ અને બબુભાઈ સાથે યશ ઉર્ફ ઠુઠી બકરાણીયાને મજાક મશ્કરી અને ગાળાગાળી બાબતે ઝઘડો થયો હતો. આ વખતે યશ પોતાની સાથે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે યશની ફરિયાદ પરથી જયેશભાઈ અને બબુભાઈ સામે ગુનો નોંધ્યો હતો.
માલવીયાનગર પોલીસ પણ દોડી ગઇ હતી
દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી ગત મધરાતે યશ ઉર્ફ ઠુઠી એ જયશેભાઈના ભાઈ ભરતભાઈના ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ પણ દોડી ગઇ હતી. બીજી તરફ રાત્રીના વાહનોને આગ લગાડયા બાદ આરોપી યશ ઉર્ફે ઠુઠી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.