BREAKING NEWS

બેગ જૂની- ગોદડાં વચ્ચે હોવાથી રૂ.૨૭.૮૦ લાખના દાગીના તસ્કરોને ધ્યાને ન આવ્યા

  • January 02, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોખડદડમાં ગઇકાલે બનેલી ચોરીની ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. ખેડૂત વૃધ્ધ દંપતીની મરણમૂડી બચી ગઈ હતી.તસ્કરોએ કબાટમાંથી ગોદળા નીચે ફેંકતા તેની નીચે રહેલી જુની બેગ નીચે ફંગોળાતા તસ્કરોનું કદાચિત ધ્યાન નહીં ગયુ હોય અથવા જુની સમજી બેગ નહીં ખોલી હોય પણ તેના લીધે ખેડૂત દંપતીની મરણમૂડી સમાન રૂ.૨૭.૮૦ લાખના દાગીના ભરેલ બેગ હેમખેમ મળી આવી હતી. જોકે ૯૦ હજાર રોકડ અને બે બાઇક તસ્કરો ચોરી કરી ગયા હોય પોલીસે આ મામલે તપાસ યથવાત રાખી છે. તસ્કરો અમદાવાદ તરફ નાસી છૂટતાં એલસીબી, ક્રાઈમ બ્રાન્ચ અને આજીડેમ તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી છે.


ખોખડદડ ગામે શંકર ભગવાનના મંદિરની બાજુમાં રહેતાં કાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.૬૫) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓને સંતાનમા બે દિકરા છે જેઓ મકાનની બાજુમાં રહે છે.


ગઈ તા.૩૧ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે તેઓ અને તેમના પત્ની કાંતાબેન મકાને તાળા મારી મકાનની બાજુમાં આવેલ નાના દિકરા મહેશના ઘરે ગયેલ અને જમીને ત્યાં જ સુઈ ગયેલ હતા. ગઈકાલે સવારના વહેલા પાંચેક વાગ્યા આસપાસ જાગીને ઘરે ગયેલ અને જોયેલ તો ઘરની ડેલીનું તાળુ તુટેલ અને ડેલી ખુલ્લી હતી. જેથી અંદર જઈ જોતા ફળીયામાં રાખેલ બાઈક જોવામાં આવેલ નહીં અને મકાનના મુખ્ય દરવાજાએ લોખંડની જાળીએ તાળુ મારેલ હતુ, તે તાળુ પણ જોવામા આવેલ નહીં, જાળીનો નકુચો તુટેલ અને ખુલ્લી હતી. જેથી ઘર અંદર જઈ જોતા મકાનની અંદર આવેલ બન્ને રૂમના દરવાજા ખુલ્લા અને બધો સામાન વેરવિખેર પડેલ હતો.


કબાટના ખાનામાં તિજોરીમા રાખેલ સોના-ચાંદીના ઘરેણા જોવામાં આવેલ નહીં. જે તપાસ કરતા સોનાની કંઠી રૂ.૨.૪૦ લાખ, સોનાની બુટી બે જોડી રૂ.૧.૨૦ લાખ, સોનાના બિસ્કીટ નંગ-૦૨ રૂ.૨ લાખ, સોનાની નાની વીંટી, ચાંદીની નાની ઇંટો નંગ-૦૨ રૂ.૪ લાખ, ચાંદીના બે જોડી સાંકળા નંગ-૦૪ મળી કુલ મળી કિ.રૂ.૨૭.૮૦ લાખ, રોકડ રૂ.૯૦ હજાર અને બાઈક મળી કુલ રૂ.૨૯ લાખનો મુદામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.


જે બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.પોલીસ પંચનામુ કર્યા બાદ પરિવારે ઘરમાં સામાન સરખો મુકવા જતા ઘરમાંથી જ દાગીના ભરી બેગ મળી આવતાં ચોરીના બનાવમાં નવો વળાંક આવ્યો હતો.પરિવારજનો મકાનમાં પ્રવેશતા તેઓએ અસ્તવ્યસ્ત પડેલ માલ સામાન ઉપાડતા તેમાંથી ગોદળા વચ્ચેથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મળી આવી હતી. જેથી રૂ.૨૭.૮૦ લાખનો મુદામાલ મળી આવતાં હવે રોકડ રૂ.૯૦ હજાર અને ફરીયાદીની બાઈક તેમજ અન્ય એક બાઈક જ ચોરી થયાનું સામે આવ્યું છે.


પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરવામાં કુલ પાંચ શખસો સામેલ હતા. તેઓ ચોરીને અંજામ આપી ચોટીલા તરફ બે બાઈકમાં નાસી છૂટ્યા છે જેમની શોધખોળ યથાવત રખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application