રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં કેળવણી નિરીક્ષકોની ખાલી પડેલી જગ્યા પ્રમોશનથી ભરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો હતો અને તેના અનુસંધાને ગયા ડિસેમ્બર માસમાં પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
પ્રમોશન માટેના બોર્ડના ઓર્ડર પછી પણ નિયત સમય મર્યાદામાં આચાર્ય કે કેળવણી નિરીક્ષક તરીકે હાજર ન થનાર અને પ્રમોશનનો અસ્વીકાર કરનાર ઉચ્ચતર માધ્યમિકના 35 અને માધ્યમિક વિભાગના 15 મળીને 50 જેટલા શિક્ષકોના પ્રમોશનના ઓર્ડર બોર્ડે રદ કર્યા છે.
હંગામી બઢતી માટેના આ ઓર્ડર માટે શાળાઓની કચેરીના કમિશનર દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને દરખાસ્ત કરવામાં આવી હતી. સિનિયોરીટી મુજબ પ્રમોશન આપવામાં આવ્યા હતા પરંતુ 50 જેટલા શિક્ષકોએ તેનો સ્વીકાર ન કરતા તેમના બઢતીના હુકમો આખરે રદ કરવામાં આવ્યા છે.
જે 50 શિક્ષકોએ પ્રમોશનના હુકમનો અસ્વીકાર કર્યો છે તેમને હવે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 મુજબ સિનિયોરીટી ગુમાવવી પડશે અને એક વર્ષ સુધી અથવા તો પછીની જગ્યા ખાલી પડે બેમાંથી જે મોડું હશે ત્યાં સુધી પ્રમોશનને પાત્ર ગણવામાં નહીં આવે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓના કમિશનરની કચેરીની ભલામણના આધારે 2025 ના ડિસેમ્બર માસની 26 અને 31 તારીખે આ અંગેના હુકમો કરવામાં આવ્યા હતા અને ખાલી જગ્યા પ્રમોશનથી ભરવા માટેના પ્રયાસો કરાયા હતા. પ્રમોશન મેળવ્યા બાદ શિક્ષકોની જે ખાલી જગ્યા પડવાની હતી ત્યાં નવેસરથી ભરતીનું સરકારનું પ્લાનિંગ હતું. પરંતુ મૂળ શિક્ષકોએ જ પ્રમોશન ન સ્વીકારતા હવે તેમના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.