ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી- ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 2017 થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત બનાવી છે. આ પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ નથી અને ક્યારે શરૂ થશે તેની કોઈ જાહેરાત પણ હજુ સુધી બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા થોડા દિવસોથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ગુજકેટના ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે ? તેવા સવાલના જવાબમાં બોર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સંદર્ભે બોર્ડની વેબસાઈટ પર સતાવાર જાહેરાત કરવામાં આવશે અને સાથોસાથ માહિતી પુસ્તિકા પણ મૂકવામાં આવશે.
ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રશ્ન નથી પરંતુ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરે છે અને તેમાંથી ફ્રી થયા પછી તુરત જ ગુજકેટ ની પરીક્ષા ના ફોર્મ ભરવા પડશે. ઓનલાઈન ફોર્મ ભરવાની આ પ્રક્રિયા જો એક સાથે જ ચાલુ અને પૂરી કરવામાં આવે તો બાકીના સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી થઈ શકે તેમ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબી ના વિદ્યાર્થીઓ માટે તારીખ 29 માર્ચ 2026 ના રોજ ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડે કરી છે. આ પરીક્ષા માત્ર જિલ્લા મથકના કેન્દ્રો પર જ લેવામાં આવશે અને તેમાં ભૌતિક વિજ્ઞાન તથા રસાયણ વિજ્ઞાનના અલગ અલગ બે પેપર ના 40 -40 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે વિદ્યાર્થીઓને 120 મિનિટ એટલે કે બે કલાકનો સમય આપવામાં આવશે. જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે 40 માર્ક્સનું એક પેપર રહેશે અને ગણિતના વિદ્યાર્થીઓ માટે પણ 40 માર્કનું એક પેપર રહેશે. આ બંને પેપરમાં વિદ્યાર્થીઓને 60 -60 મિનિટ આપવામાં આવશે.
બોર્ડના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં એનસીઆરટી ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. એનસીઆરટી આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટ 2026 ની પરીક્ષા માટે રહેશે.