હળવદ બાયપાસ પરથી રાતકડી હનુમાનજી મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં કોહવાયેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આજુબાજુમાં પૂછતા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ એક અઠવાડિયાથી બીમાર હતો અને મોટાભાગે મેલડી માતાજીના મંદિરે જ રહેતા હતા.
મૃતકની ઓળખ ઈશ્વરગીરી ઉર્ફે ઈશૉ ભાનુગીરી ગોસાઈ (ઉંમર વર્ષ 60) તરીકે થઈ છે અને હાલ હળવદ ધાંગધ્રા બાયપાસ રાતકડી હનુમાન રોડ મેલડી માતાના મંદિર પાસે રહેતા હતા. મરણ જનાર થોડા દિવસથી બીમાર હતા અને શ્વાસની બીમારી હતી જેની દવાનો કેસ મળેલ છે. મોબાઈલ ફોન મળેલ છે તે પરથી તેમના સગાને જાણ કરવામાં આવી છે. મરણ જનારનું મોત બીમારીના કારણે થયેલ હોવાનું અને મોત બાદ કોઈ જનાવરોના કરડવાના નિશાન મળેલ છે જે અંગે પોલીસે પેનલ તથા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા માટે મૃતદેહને હળવદ સરકારી દવાખાનેથી મોરબી સરકારી દવાખાને લઈ જવા તજવીજ કરેલ છે. મરણના દીકરા હળવદમાં રહે છે અને ભાઈ જામનગર રહે છે.