ભેસાણના ખંભાળિયા ગામે રહેતા યુવકે દલાલ મારફત સુરતની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો તમામ ખર્ચ યુવકે ઉઠાવ્યો હતો અને દલાલીના રૂ.૩.૨૦ લાખ અને યુવતીને સોનાનો પેન્ડલ આપ્યો હતો. લગ્ન બાદ યુવતી પિયરે ગયા બાદ યુવતી પરત આવી ન હતી. જેથી લગ્ન કરાવી નાણા ઓળવી રફુ ચક્કર થવાના કિસ્સામાં યુવકે દલાલ, યુવતી, યુવતીના માતા અને ભાઈ સહિત ચાર ટોળકી સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભેસાણના ખંભાળિયા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિજય મનસુખભાઈ કોરાટના બનેવી દિવ્યેશભાઈ ઢાકેચાએ (રહે સુરત)એ સુરતના મહેશ પાટીદારને સાળાના લગ્ન માટે યુવતી દેખાડવાનું કહ્યું હતું. જેથી મહેશ પાટીદારે તેના સંબંધીની દીકરી સાથે સંપર્ક કરાવ્યો હતો. વિજયભાઈ અને તેના બનેવી સુરત ઉધના વિસ્તારમાં મહેશ પાટીદારના સંબંધી કમળાબેન મુળેની દીકરી મોનિકા સાથે મીટીંગ અને સગપણ કરવાનું નક્કી કર્યું હતું.
યુવતી મોનિકાની માતા કમળાબેને વિજયભાઈના પિતાને દીકરી સાથે લગ્ન કરવા હોય તો અઢી લાખ આપવા પડશે અને મહેશ પાટીદારને દલાલીના રૂ.૨૦ હજાર અલગથી આપવા અને લગ્નનો ખર્ચ પણ યુવકના પરિવારે ઉઠાવવા શરત રાખી હતી. ત્યારબાદ યુવકના પિતા એ યુવતીના માતાને અડધો લાખ અને યુવતીને કપડાં લેવા અડધો લાખ રકમ આપેલ હતી. અને ૧૨ જૂન ૨૦૨૩ના સુરત ગાયત્રી મંદિરમાં મોનિકા સાથે લગ્ન થયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ વિજયભાઈના પિતાએ યુવતીના માતાને એક લાખ રોકડ અને બનેવી દિવ્યેશભાઈ એ પણ એક લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા આ ઉપરાંત મહેશભાઈ પાટીદારને તેની દલાલીના .૨૦ હજાર આપ્યા હતા.
લગ્નના પાંચ માસના સમયગાળા દરમિયાન મોનિકા માત્ર ૨૦ દિવસ જ સાસરે રહી હતી બાકી તેના પિયરે ચાલી જતી હતી. આ ઉપરાંત મોનિકાએ તેની નણદં પાસેથી પણ બે તોલાનો પેન્ડલ સેટ પહેરવા લીધો હતો. ત્રણ વર્ષથી વધુ સમયગાળો થયા છતાં યુવક તેના માતા પિતાએ અવારનવાર યુવતી ને પરત લાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ યુવતી પરત આવી ન હતી. જેથી લગ્ન કરાવ્યા બાદ નાણા પડાવી છેતર્યા હોવાના કિસ્સામાં યુવકે સુરતના દલાલ મહેશ પાટીદાર, તથા યુવતી મોનિકા, યુવતીની માતા કમળાબેન અને યુવતીના ભાઈ સુરજ વિદ્ધ ભેસાણ પોલીસમાં વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.