રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં નોંધાયેલી વીજ માંગને પહોંચી વળવા સરકાર દ્વારા જે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. તે અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમા પ્રસ્તૃત કરવામા આવ્યું હતું.
વીજ માંગ અંગેના મુખ્ય કારણોની વિગતોમાં જણાવવામાં આવ્યું કે, તા. ૧૬.૧૦.૨૦૨૬ ના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી. આ માંગ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નોંધાયેલી ૨૧,૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૬.૬% વધુ છે. એટલું જ નહિં, તા. ૧૬.૧૦.૨૦૨૬ ના રોજ રાજ્યનો દૈનિક વીજ વપરાશ ૫૭૪ મિલિયન યુનિટ રહ્યો હતો તે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં આ વપરાશ ૪૫૭ મિલિયન યુનિટ હતો તે દર્શાવે છે કે વીજ વપરાશમાં ૨૭% જેટલો વધારો થયો છે.
રાજ્યમાં કુલ સપ્લાય કરવામાં આવેલી વીજળીમાંથી PGVCLમાં અંદાજે ૩૦%, DGVCLમાં ૨૨%, UGVCLમાં ૨૨%, MGVCLમાં ૧૦% અને અન્ય ડિસ્કોમમાં ૧૬% વપરાશ થયો છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આ બધા પરિબળોને પરિણામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યની વીજ માંગ ગત વર્ષોની સરખામણીએ આશરે ૧૨% (આશરે ૪,૦૦૦ મેગાવોટ) જેટલી વધી છે.
સાંજના ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન શૂન્ય થતાં અને પવન ઊર્જા અનિયમિત હોવાથી, માંગને પહોંચી વળવા કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સમાંથી અવિરત પુરવઠો સરકાર આપી રહી છે. સાથો-સાથ ગ્રીડની ફ્રીક્વન્સી અને સંતુલન જાળવવા રાજ્યમાં લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) અને વીજ વિતરણ કંપનીઓ રાત-દિવસ સતત કાર્યરત છે.
ચાલુ વર્ષે નબળા ચોમાસા બાદ અને અલનિનોની અસરના કારણે તાપમાન સતત ઊંચું રહે છે તેથી રા કૂલિંગ લોડમાં મોટો વધારો નોંધાયો છે. આમ છતાં ખેડૂતોના ઊભા પાકને સિંચાઈનું પૂરતું પાણી પૂરું પાડવા માટે સરકાર દ્વારા પૂરતા કલાકો વીજળી આપવામાં આવી રહી છે, જેના કારણે કૃષિ લોડ વધીને દૈનિક મહત્તમ ૧૨,૦૦૦ મેગાવોટ સુધી રહ્યો છે. આગામી દિવાળીના તહેવારોને કારણે રાજ્યની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થતાં વીજ માંગમાં વધારો થયો છે.
સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં હાયડ્રો પાવર ઉત્પાદન મહત્તમ મળતું હોય છે પરંતુ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટ્યું છે. તેમજ પવનની ગતિ ઓછી રહેવાને કારણે પવન ઊર્જાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે આવી પરિસ્થિતી વચ્ચે પણ કોઈપણ વિક્ષેપ વિના વીજળી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારના સંકલનથી અનેક સકારાત્મક અને સક્રિય પગલાં લીધા છે. તે અંગેની ઝિણવટપૂર્વકની સમીક્ષા મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. આ સંદર્ભમાં વધુ વિગતો આપતા ઊર્જા વિભાગના પ્રઝન્ટેશનમાં જણાવવામાં આવ્યુ હતું કે, કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવા GSECL ને જરૂરી કોલસાના રેક ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવામાં આવી હતી.તદઅનુસાર કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના ૧૦ થી ૧૧ રેલવે રેક અને નવેમ્બરથી રોજના ૧૩ થી ૧૪ રેકનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. રાજ્યનાં વીજ મથકોમાં કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતના ભાગરૂપે, NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માસ માટે ૩૨૯ મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આસામના કેન્દ્ર સરકારના પાવર જનરેશનના ફાળામાંથી લાંબા ગાળા માટે ૫૫૧ મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ છે. હાલમાં કરારિત NTPC ના બાઢ-I અને દાદરી-I થર્મલ પાવર સ્ટેશનના ૭૧૬ મેગાવોટના કરારની મુદત એક વર્ષ વધારીને માર્ચ ૨૦૨૮ સુધીની કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર હસ્તકના પાવર જનરેશનના અન-એલોકેટેડ ફાળામાંથી ૫૦૦ મેગાવોટની વધારાની ફાળવણી માટે રાજ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્પન્ન થતી આશરે ૧૨,૦૦૦ મેગાવોટ સોલાર ઊર્જાનો દિવસ દરમિયાન મહત્તમ ઉપયોગ થાય અને ખેતીવાડી લોડ માત્ર દિવસના સૌર કલાકોમાં જ વપરાય તેવું સુદ્રઢ આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ પણ બેછકની ચર્ચાઓમાં જણાવાયું હતું.
મુખ્યમંત્રીને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને લાંબા ગાળાનું આયોજન અંગે ઊર્જા વિભાગે કરેલા આયોજનની વિગતો આપતા ઊર્જા અગ્ર સચિવશ્રીએ કહ્યુ કે, સાંજના પીક અવર્સની માંગને પહોંચી વળવા માટે વિભાગે અત્યાધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દીધું છે.
દિવસની સોલાર ઊર્જાનો સંગ્રહ કરી સાંજે તેનો ઉપયોગ કરવા માટે કાયમી ઉકેલ તરીકે BESS ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્યમાં હાલ ૧૯૨ મેગાવોટની BESS સિસ્ટમ કાર્યરત છે. ૨,૭૪૨ મેગાવોટ / ૫,૫૧૭ મેગાવોટ-કલાક ક્ષમતા માટેના નવા કરારો પૂર્ણ થઈ ચૂક્યા છે. માર્ચ ૨૦૨૭ સુધીમાં ૫૦૦ મેગાવોટ / ૧,૦૦૦ મેગાવોટ-કલાકની ક્ષમતા કાર્યરત થઈ જશે. ૧,૦૦૦ મેગાવોટ / ૪,૦૦૦ મેગાવોટ-કલાકની ક્ષમતાના પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
લોંગ ટર્મ આયોજન – કેન્દ્રિય ફાળવણી
રાજ્યમાં વીજ પુરવઠો અને ઉત્પાદન અંગે લાંબાગાળાનું જે આયોજન કેન્દ્ર સરકારના સહયોગથી કરવામા આવ્યું છે તે અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ થયાં હતા. તેમાં જણાવવામાં આવ્યું હતુ કે,સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી ૧૩૦૦+ મેગાવોટ રાજ્યને ફાળવવામાં આવ્યું છે અને તે વર્ષ ૨૦૨૮-૨૯ થી તબક્કાવાર ઉપલબ્ધ થશે.સેન્ટ્રલ જનરેટિંગ હાઇડ્રો સ્ટેશનમાંથી પણ ૧૨૦૦+ મેગાવોટ વીજળીની ફાળવણી કરવામાં આવી છે,તે પણ ૨૦૨૮-૨૯ થી મળશે.
૨૦૩૧-૩૨ ની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી વધુ ૫૦૦૦+ મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે. રાજ્યમાં નવા પ્રોજેક્ટ્સ અને ટેન્ડરિંગ સંદર્ભમાં આ બેઠકની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યુ હતુ કે, GUVNL દ્વારા SHAKTI સ્કીમ હેઠળ ૪,૦૦૦ મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, તેનાથી ૨૦૩૦-૩૧ થી વીજળી પ્રાપ્ત થશે. NPCIL સાથે ૪,૨૦૦ મેગાવોટના ન્યુક્લીઅર પાવર પ્રોજેક્ટ માટે MoU કરવામાં આવ્યા છે, તેનું પ્રથમ યુનિટ ૨૦૩૨ માં કાર્યરત થવાની સંભાવના છે.
આ ઉપરાંત ઉકાઈ ખાતે ૮૦૦ મેગાવોટનો નવો થર્મલ પ્લાન્ટ નિર્માણાધીન છે તે સપ્ટેમ્બર ૨૦૨૯ થી વીજ ઉત્પાદન શરૂ કરશે. તેમજ સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા થર્મલ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે જમીન સંપાદન અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
આ બેઠકમાં સમગ્રતયા રાજ્યની વીજ માંગ અને પુરવઠાની ઉપલ્બધિ તથા ભાવિ કાર્ય આયોજન અંગે થયેલી ગહન ચર્ચાઓ બાબતે ઊર્જા વિભાગને વધુ ગતિથી આગળ વધવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ સહિત પાવર સેક્ટરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.