ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા વર્ગ-3 અને વર્ગ ૪ ના ફીક્સ પગારદાર કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફિકસ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફીકસ પગારના વર્ગ ૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને સોપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવામા આવ્યો છે.
પુખ્ત વિચારણાને અંતે રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-૩ અને વર્ગ-૪ ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ માટે સંદર્ભ ક્રમાંક: (૧) થી (૩) ના ઠરાવો પરિપત્રથી નિયત થયેલ જોગવાઈ રદ્દ કરીને તેમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.
“નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-૩ અને વર્ગ-૪ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે પાંચ ટકા/દસ ટકા વધારાનું મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) મળવાપાત્ર થશે.”
ઉદાહરણ તરીકે ફિક્સ પગારના કર્મચારીને પગાર 30000 હોય તો સેમ કેડરના ચાર્જ માટે એલાઉન્સ 5 ટકા એટલે કે 1500 ચૂકવાશે અને સિનિયર જગ્યાનો વધારાનો હવાલો આપવામાં આવે તો 10 ટકા એટલે કે 3000 એલાઉન્સ ચૂકવાશે.
હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત
આ પહેલાં આ લાભ માત્ર કાયમી થયેલા અથવા નિયમિત કર્મચારીઓને મળતો હતો, જેના કારણે વર્ગ-3ના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી હતી. નાણાં વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને આ આદેશ તાત્કાલિક લાગુ કરવાની સૂચના આપી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે અને કાર્ય ઉત્સાહમાં વધારો થશે એવી અપેક્ષા છે.