BREAKING NEWS

રાજકોટમાં સોના-ચાંદીના કારીગરોની હાલત દયનીય: રત્ન કલાકારો જેવું પેકેજ આપવા સુવર્ણકારોની માંગ

  • February 10, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક પરિબળોના કારણે રાજ્યભરમાં સુવર્ણકાર સમાજના કારીગરોની આર્થિક હાલત અત્યંત ગંભીર છે. જેને કારણે રાજકોટમાં પણ સોના અને ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો કારીગરોની રોજી રોટી સામે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. સોના-ચાંદીના કારીગરોને રોજગારી નહીં મળવાથી તેમના પરિવારો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેથી તેમને આર્થિક સહાય આપવામાં આવે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં સુરતના રત્ન કલાકારોની જેમ તેમને પણ આર્થિક મદદ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.


આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના સુવર્ણકાર સમાજના કારીગરોની આર્થિક હાલત અત્યંત ગંભીર છે. હાલમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુવર્ણકાર સમાજના જે લોકો સોના અને ચાંદીના દાગીના બનાવવાનું મજૂરી કામ કરે છે. તેઓ પાસે કોઈ કામકાજ નથી. જેના કારણે તેમને દુકાનનું તથા ઘરનો ફાળો ભરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો હોવા છતાં પણ ઊંચા ભાવના કારણે સોના અને ચાંદીની ખરીદી ઘણી ઘટી ગઈ છે. જેના કારણે ભાડાના મકાન અને દુકાન દ્વારા સોના અને ચાંદીનું કામ કરતા કારીગરોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.


સોની સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે કેટલાક કારીગરોએ દુકાન અને મકાનો પર બેંકની લોન પણ લીધી છે. તેઓની સ્થિતિ એવી દયનીય છે કે બેંકના હપ્તા પણ તેઓ ભરી શકતા નથી. આ ઉપરાંત અમુક કારીગરો પાસે તેમના દીકરા તથા દીકરીની સ્કૂલ તથા કોલેજની ફી ભરવામાં પણ ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. આવી વિષમ પરિસ્થિતિમાં સુવર્ણકાર સમાજના કારીગરોને શું કરવું તે તેમ તેઓ સમજી શકતા નથી. અમુક હતભાગી પરિવારો દ્વારા આત્મહત્યાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય સરકાર તરફથી સુરતના રત્ન કલાકારો અથવા કારીગરોને જે રીતે આર્થિક સહાયતા આપવામાં આવી હતી. તે જ રીતે તેમને પણ આર્થિક સહાય આપે તે માટે રજૂઆત કરવામાં આવી છે.


જીગ્નેશ ભાઈ વાગડિયાના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ગત 2 ડિસેમ્બર 2025ના રોજ આ મુદ્દે જિલ્લા કલેકટરને પણ સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પણ ગાંધીનગર વિધાનસભા, શ્રમ રોજગાર વિભાગ તથા નાણામંત્રાલયને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કારીગરો માટે કોઈ નવી સહાયતા અથવા આર્થિક પેકેજ જાહેર કરે તેવી સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈ વાગડિયા તથા હોદ્દેદારો નયનભાઈ કોઠારી, ભાવિનભાઈ વાગડિયા, પ્રશાંતભાઈ વાગડિયા, અલ્પેશભાઈ પાટડિયા, કમલેશભાઈ પાટડિયા, હિતેશભાઈ પાટડિયા તથા અન્ય હોદ્દેદારોએ લેખિત પત્રમાં રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application