BREAKING NEWS

દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ઘાસચારાની અછત સર્જાતા પશુઓની સ્થિતિ દયનીય

  • September 10, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદના પગલે દુષ્કાળ જેવી સ્થિતિ ઘેરી વળતા હવે તેની સીધી અસર પશુધન પર જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં લીલો ચારો ઉપલબ્ધ નથી અને અગાઉથી સંગ્રહિત ઘાસચારો પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં પશુપાલકો માટે પશુઓના નિભાવનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. સમયસર સારો વરસાદ નહીં પડે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સાથે પશુપાલન અનેક પરિવારોની આવકનો મુખ્ય આધાર છે. પરંતુ વરસાદની અછતના કારણે ઘાસચારાની ઉપલબ્ધતા પર મોટો ફટકો પડ્યો છે. લીલો ચારો ન મળતાં પશુઓને સુકો ચારો તથા ખરીદીને લાવવામાં આવતા ઘાસચારા પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. બીજી તરફ ઘાસચારાના ભાવમાં વધારો થાય તો પશુપાલકોના ખર્ચમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં મોટી સંખ્યામાં પશુઓના નિભાવની જવાબદારી હોવાથી ઘાસચારાની અછત વધુ ચિંતાજનક બની છે. રોજબરોજ જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બનશે તો સંસ્થાઓ પર પણ આર્થિક ભારણ વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પશુધનને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવવો, જરૂરી હોય ત્યાં ચારા ડેપો શરૂ કરવા તેમજ પાંજરાપોળો અને ગૌશાળાઓને સહાય આપવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતના ભણકારા છે. આગામી દિવસોમાં વરસાદ થાય તો ઘાસચારાની સ્થિતિમાં સુધારો થઈ શકે છે, પરંતુ જો મેઘરાજા પણ મોં ફેરવી લે તો પાણીની સાથે ઘાસચારાની કટોકટી પણ વધુ ઘેરી બનશે. તેથી પશુધનને બચાવવા તંત્ર દ્વારા આગોતરી તૈયારી અને તાત્કાલિક સહાય જરૂરી બની છે. સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, આગામી સપ્તાહમાં રાજકોટ જિલ્લાના પશુપાલકો, ગૌશાળા સંચાલકો અને ગૌ પ્રેમીઓ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application