રાજકોટમાં રાજમાર્ગોથી લઇને શેરીઓમાં રખડતા ડાઘિયા દરરોજ અનેક નાગરિકોને કરડે છે છતાં રાજકોટને જે રીતે ઢોર મુક્ત કરાયું તેવી રીતે રખડુ કૂતરાંથી મુક્ત કરવાની કોઈ યોજના મહાનગરપાલિકા પાસે નથી. સરકારી નોકરી કરવાને બદલે જીવદયાપ્રેમીઓની ગુલામી કરવાની ફરજ બજાવતા હોય તેવી કામગીરી કરી રહેલા એનિમલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટએ કૂતરા પકડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવાની ચોંકાવનારી દરખાસ્ત રજૂ કરી છે. જેમાં સિંગલ ટેન્ડર આવ્યું હોવા છતાં બેઝ રેટના ૩૪ ટકા જેવી તોતિંગ ઓન સાથે પ્રતિ શ્વાન દીઠ રૂ.૪૯૬૪.૭૦ પૈસા ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં જણાવ્યા મુજબ, રાજકોટમાં રખડુ શ્વાનોને નિયંત્રણમાં લેવા અંદાજે ૨.૭૦ કરોડનો દ્વિવાર્ષિક ખર્ચ અંદાજીને ટેન્ડર પ્રક્રિયા કરતા પ્રથમ વખતના ટેન્ડરમાં કોઇ આવ્યું ન હતું, બીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરતા ફક્ત એક એજન્સી આવી હતી, અને તે એજન્સીએ એક કુતરુ પકડીને ખસી કરવાનો ભાવ એસ્ટીમેટથી ૩૯ ટકા વધુ રૂ.૫૧૪૯.૯૫ પૈસાનો ભાવ સૂચવ્યો હતો, ત્યારબાદ વાટાઘાટના અંતે પાંચ ટકાનો ઘટાડો કરી ૩૪ ટકા ભાવ સૂચવ્યો હતો. દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટમાં પ્રથમ વર્ષે ૩૪ ટકા ઓન અને બીજા વર્ષે પાંચ ટકાના વધારા સાથે ૩૯ ટકા ઓન મુજબ કામ અપાશે !
દરખાસ્તમાં જણાવ્યા મુજબ, એજન્સીએ પ્રતિ કુતરા દીઠ રૂ.૪૯૬૪.૭૦ પૈસાનો ભાવ સૂચવ્યો છે જેમાં શ્વાન ખસીકરણના ૩૧૦૫, હડકવા વિરોધી રસીકરણનો ખર્ચ ૩૧૦, પોસ્ટ ઓપરેટિવ કેરના ૧૨૫ અને ડોગ ફ્રેન્ડલી વર્કના ૧૬૫ નો સમાવેશ થાય છે. કમિશનરે આ એજન્સી ગોલ ફાઉન્ડેશન-અમદાવાદને કામ આપવા દરખાસ્ત કરી છે. હવે આવતીકાલે આ અંગે સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાશે.
રખડું કૂતરાની ફરિયાદ કરનારને નાગરિકોને મનપા દ્વારા અપાતા જવાબ
૧. અમે કૂતરા જપ્ત કરી શકીએ નહીં
૨. અમે કૂતરા સ્થળાંતરિત કરી શકીએ નહીં
૩. કુતરા ભસતાં હોય તો તેમાં અમે શું કરીએ ?
૪. કરડ્યું હોય તો સારવાર લીધાના કાગળ આપો
૫. કૂતરા પાછળ દોડે છે તેવી ફરિયાદ કરવાની ન હોય
૬. કોલ સેન્ટરમાં કે ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ કોઈ આવે જ નહીં છતાં ફરિયાદ ઉકેલાઇ ગયાના ઓફિસિયલ મેસેજ મળે
૭. જીવદયાપ્રેમીઓ અમારી સામે ફરિયાદ કરે છે માટે અમે કૂતરા જપ્ત નહીં કરીએ
૮. તમે જે કહો અમે શું કરીએ, અમારી પણ મજબૂરી હોયને !
૯. જપ્ત કરેલું કુતરુ ૧૫ દિવસમાં જ્યાંથી જપ્ત કર્યું હશે ત્યાં જ મૂકી જશું, તમે કયો તો કામગીરી કરવા આવીએ ?!
૧૦. ચેક કરીને કહો, કૂતરાના કાનનો છેડો કાપેલો છે કે નહીં? કાપેલા હોય તો તેનું ઓપરેશન થઇ ગયું હશે !? તો પછી શું ધક્કો ખાવો..
કોન્ટ્રાક્ટ આપતા પહેલા બે વર્ષનો હિસાબ આપો
રાજકોટમાં છેલ્લા બે વર્ષમાં કૂતરાની કેટલી ફરિયાદ આવી, કેટલી પેન્ડિંગ, કેટલી ઉકેલાઇ, કોન્ટ્રાક્ટરને કેટલી રકમ ચૂકવી તેનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવા પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.