BREAKING NEWS

આર્થિક કટોકટીની આશંકા: ભારત સામે એકસાથે ત્રણ મોટા આંચકા, દેશના મુખ્ય આર્થિક સલાહકારે આપી મોટી વોર્નિંગ

  • May 20, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) વી. અનંત નાગેશ્વરને દેશની આર્થિક સ્થિતિને લઈને એક મોટી ચેતવણી આપી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે. હાલમાં ભારત એકસાથે ત્રણ મોટા આર્થિક આંચકાઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દેશની 'ચુકવણીનું સંતુલન'  બગડી રહ્યું છે. આ કોઈ સામાન્ય કે કામચલાઉ વધઘટ નથી, પરંતુ અર્થતંત્ર માટે એક વાસ્તવિક કસોટી સમાન છે.


ત્રણ આંચકામાં પહેલો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ, સોનું અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો છે, બીજો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત તેમના ભંડોળ પાછું ખેંચી રહ્યા છે અને ત્રીજો આંચકો આયાત વધી રહી છે, પરંતુ નિકાસ ઘટી રહી છે. આની સીધી અસર રૂપિયા પર પડી રહી છે, જેના કારણે તેનું મૂલ્ય ઘટી રહ્યું છે.


સરળ ભાષામાં સમજીએ તો, ચુકવણીનું સંતુલન એ દેશની કમાણી અને ખર્ચની એક 'ખાતાવહી' કે હિસાબની ચોપડી છે. જ્યારે ભારત વિદેશમાં માલ વેચે છે, વિદેશીઓ અહીં રોકાણ કરે છે કે વિદેશમાં રહેતા ભારતીયો (એનઆરઆઇ) પોતાના ઘરે પૈસા મોકલે છે, ત્યારે દેશમાં વિદેશી નાણું (ડોલર) આવે છે. તેની સામે જ્યારે ભારત વિદેશથી તેલ, સોનું કે મશીનરી ખરીદે છે અથવા ભારતીયો વિદેશ પ્રવાસ કે ભણતર પાછળ ખર્ચ કરે છે, ત્યારે વિદેશી નાણું બહાર જાય છે. અત્યારે દેશમાં કમાણી ઓછી થઈ રહી છે અને બહાર પૈસા વધુ જઈ રહ્યા છે, જે મોટી સમસ્યા છે.

પશ્ચિમ એશિયાના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) પ્રભાવિત થતાં તેલના ભાવમાં ૬૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૭ ટકા ક્રૂડ ઓઈલ વિદેશથી મંગાવે છે, જેમાંથી અડધોઅડધ આ તણાવવાળા વિસ્તારમાંથી આવે છે. આપણી ૯૦ ટકા એલપીજી આયાત પણ આ જ પ્રદેશ પર નિર્ભર છે. જોકે, આ આફત વચ્ચે રાહતના સમાચાર એ છે કે ભારત પહેલા કરતાં વધુ તૈયાર છે. સરકાર પાસે હાલમાં ૭૦૧ બિલિયન ડોલરનું મજબૂત વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ રિઝર્વ) છે, જેમાં આ આર્થિક તોફાન સામે દેશને ટકી રહેવામાં મદદ કરશે.


સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે?

આ આર્થિક કટોકટીની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડશે. ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડવાથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ-ગેસ મોંઘા થવાથી આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (એલપીજી)ના ભાવ વધી શકે છે. ઈંધણ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેથી શાકભાજીથી લઈને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘી બનશે અને મોંઘવારીનો માર સહન કરવો પડશે. આ ઉપરાંત વિદેશી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને વિદેશમાં ભણવાનું પણ મોંઘું બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application