BREAKING NEWS

ભારતની દીકરીઓએ રચેલા ઇતિહાસથી ક્રિકેટ વિશ્વમાં તહેલકોઃ હરમનપ્રીત કૌરનો નિર્ણય ગેમ ચેન્જર સાબિત થયો

  • November 03, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજી નવેમ્બર ક્રિકેટ વિશ્વ માટે યાદગાર દિવસ બની રહ્યો છે. ભારતની દીકરીઓએ તિરંગાનું સ્થાન હિમાલયના શિખરે પહોચાડ્યું છે. જેના પગલે બીસીસીઆઈ દીકરીઓ પર આફરીન થયું છે.અને આઈસીસીકરતા વધુ ઇનામી રકમની જાહેરાત કરી છે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએઆઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો. ભારતે ટાઇટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની જીતના પરિણામે મોટી જીત મળી. આઈસીસીએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે ૪.૪૮ મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ નક્કી કરી હતી, જે ભારતીય રૂપિયામાં આશરે ₹૩૯.૭૮ કરોડ થાય છે. હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આઈસીસી કરતા વધુ ઈનામી રકમની જાહેરાત કરી છે.


બીસીસીઆઈના દેવજીત સૈકિયાએ કહ્યું, "૧૯૮૩માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપમાં લઈ જઈને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રોત્સાહનનો આરંભ કર્યો હતો. આજે મહિલાઓએ પણ એ જ ઉત્સાહ અને પ્રોત્સાહન આપ્યું છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે ટ્રોફી જીતી જ નહીં, પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે


તેમણે વધુમાં કહ્યું, "જય શાહે બીસીસીઆઈનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે મહિલા ક્રિકેટમાં ઘણા ફેરફારો લાવ્યા છે. પગાર સમાનતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ગયા મહિને, આઈસીસી પ્રમુખ જય શાહે મહિલા ઈનામી રકમમાં ૩૦૦ ટકાનો વધારો કર્યો હતો. ઈનામી રકમ પહેલા ૨.૮૮ મિલિયન ડોલર હતી, અને હવે તેને વધારીને ૧૪ મિલિયન ડોલર કરવામાં આવી છે. આ બધા પગલાંથી મહિલા ક્રિકેટને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે.


દીકરીઓએ ભારતીય પરંપરા જાળવી, કેપ્ટન હરમનપ્રીત કૌરે કોચના ચરણ સ્પર્શ કર્યા

ટાઇટલ જીત્યા પછી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તેની ટીમના મુખ્ય કોચ, અમોલ મઝુમદારના પગ સ્પર્શ્યા. જોકે, અમોલ મઝુમદાર જ તેને ભેટી પડી. આઈસીસી ચેરમેન જય શાહ પાસેથી વર્લ્ડ કપ ટ્રોફી લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા પછી હરમનપ્રીત કૌરે પણ એવું જ કર્યું. જય શાહે તેના પગ સ્પર્શવાનો ઇનકાર કર્યો.દરેક ભારતીય પોતાના મૂલ્યો અને તેમને મળેલા શિક્ષણ વિશે જાણે છે. ગમે તેટલો મોટો મંચ હોય, આદરપૂર્વક નમન કરવામાં કંઈ ખોટું નથી. આ વાત વિશ્વ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌરે દર્શાવી હતી. દરેકને આ જીત યાદ રહેશે, અને દુનિયા એ પણ યાદ રાખશે કે આ ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ હારવા છતાં, ભારતીય ટીમ હજુ પણ વર્લ્ડ કપ જીતી શકે છે. પોતાના પર વિશ્વાસ રાખો અને ભગવાનનો આભાર માનતા રહો.


હરમનપ્રીત કૌર ભાંગડા કરતા કરતા ટ્રોફી સ્વીકારવા પહોચી

મહિલા ક્રિકેટમાં આ ભારતનો પહેલો વર્લ્ડ કપ ખિતાબ છે ત્યારે આટલી અપરંપાર ખુશી કઈ રીતે છાની રહે, કેપ્ટન હરમનપ્રીત કૌર જય શાહ પાસેથી ટ્રોફી લેવા પહોંચી, ત્યારે તે ખુશી થી પારંપરિક ભાંગડા નૃત્ય કરતા કરતા સ્ટેજ પર પહોચી હતી. તેણે જય શાહના પગ સ્પર્શવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેને અટકાવી દેવામાં આવી. ૩૬ વર્ષ અને ૨૩૯ દિવસની ઉંમરે, હરમનપ્રીત કૌર મહિલા વર્લ્ડ કપ જીતનાર સૌથી મોટી ઉંમરની કેપ્ટન છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે ટુર્નામેન્ટમાં ત્રણ મેચ હાર્યા બાદ મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો છે. પુરુષોની ટુર્નામેન્ટમાં આવું બે વાર બન્યું છે: ૧૯૯૨માં પાકિસ્તાન સામે અને ૨૦૧૯માં ઈંગ્લેન્ડ સામે.


પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ ટીમને અભિનંદન આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારતીય ટીમને વિજય બદલ અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનએ પોસ્ટ કર્યું, કે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય! તેમના પ્રદર્શનથી અવિશ્વસનીય કૌશલ્ય અને આત્મવિશ્વાસ પ્રતિબિંબિત થયો. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ટીમ ભાવના અને અદમ્ય ભાવના દર્શાવી. અમારા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન. આ ઐતિહાસિક વિજય ચેમ્પિયનની ભાવિ પેઢીઓને રમતગમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા. રાષ્ટ્રપતિએ લખ્યું, "ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન! તેઓએ પહેલી વાર જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ સારું રમી રહ્યા છે અને આજે તેમને તેમની પ્રતિભા અને પ્રદર્શનના અનુરૂપ પરિણામ મળ્યું છે. આ નિર્ણાયક ક્ષણ મહિલા ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જશે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ટીમને અભિનંદન આપતા કહ્યું કે મહિલા ક્રિકેટરોએ સમગ્ર રાષ્ટ્રના દિલ જીતી લીધા છે.


હરમનપ્રીત કૌરનો નિર્ણય ગેમ ચેન્જર સાબિત થયો

ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના નિર્ણયે ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો. મેચના એક મહત્વપૂર્ણ તબક્કે હરમનએ બોલ પાર્ટ-ટાઇમ સ્પિનર ​​શેફાલી વર્માને સોંપ્યો. હકીકતમાં, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 62 રનના સ્કોર પર પીછો કરતા પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી, ત્યારે કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને સુન લુસે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી.આ ભાગીદારીએ ભારતીય ટીમ માટે તણાવ વધાર્યો હતો અને તેને કોઈ પણ ભોગે તોડવી જરૂરી હતી. આ ભાગીદારીને તોડવા માટે, 20મી ઓવરના અંત પછી શેફાલીને બોલિંગ માટે બોલાવવામાં આવી. શેફાલીએ સુન લુસને તેના બીજા બોલ પર કેચ એન્ડ બોલ્ડ આઉટ કરી. તેણીએ તેની આગામી ઓવરના પહેલા બોલ પર એનેકે બોશને પણ આઉટ કર્યો. આ બે વિકેટે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ગતિ અવરોધી અને ઇતિહાસ સર્જી દીધો. હરમનપ્રીત કૌરે મેચ પછી સમજાવ્યું કે તેણીએ શેફાલી વર્માને બોલિંગ કરવાનો નિર્ણય અંતઃકરણની લાગણીના આધારે લીધો હતો. હરમનપ્રીતે કહ્યું કે તેનું હૃદય તેને કહી રહ્યું હતું કે આ શેફાલીનો દિવસ છે. "મારું હૃદય મને કહી રહ્યું હતું કે શેફાલીને એક ઓવર આપવી જોઈએ," તેણીએ કહ્યું. જ્યારે મેં શેફાલીને પૂછ્યું કે શું તે તૈયાર છે, ત્યારે તેણે તરત જ હા પાડી. તે હંમેશા બોલ દ્વારા ટીમમાં યોગદાન આપવા માંગતી હતી, અને તે એક ઓવરે મેચનો માર્ગ બદલી નાખ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News