રાજ્યમાં હાલ ચાલી રહેલી એસઆઇઆર અને ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણને કારણે શિક્ષકોમાં ભારે તણાવ વચ્ચે શિક્ષકોના મોતના સિલસિલામાં વધુ એક દુખદ ઘટના ઉમેરાઈ છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો વડોદરામાં ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન એક મહિલા સહાયક બીએલઓનું હૃદય થંભી જતા ફરજ પર જ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં ચાર ચાર મોત શિક્ષણ વિભાગ, ચુંટણી વિભાગ દોડતો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવતા હતા. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય (તા. વાલોડ) તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલને બીએલઓ સહાયક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે રાત્રિ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ બીએલઓ કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
બીએલઓના જણાવ્યા મુજબ અગાઉ બીએલઓ તરીકે જેને મુખ્ય જવાબદારી સોંપવામાં આવતી હતી તેના મોબાઈલમાં આવેલા ઓટીપીના આધારે અન્ય પાંચ લોકો પણ કામ કરી શકતા હતા. પરંતુ આ વખતે જેનો મોબાઇલ હોય અને જેને ઓટીપી આવે તે વ્યક્તિ જ કામ કરી શકે તેવી વ્યવસ્થા હોવાના કારણે કામગીરી ઝડપથી થઈ શકતી નથી અને બીએલઓની સમસ્યા સમજ્યા વગર અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા આદેશ આપી રહ્યા છે.
બીએલઓની કામગીરી સંભાળતા શિક્ષકો એવી વેદના ઠાલવે છે કે એસઆઇઆરની જટિલ કામગીરી માટે બીએલઓ તરીકે 99% પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવ્યા છે. શિક્ષક સિવાય આંગણવાડી કાર્યકર, ગ્રામ સેવક , તલાટી, રેવન્યુ તલાટી, વીજ કંપનીના કર્મચારી એમ 14 કેડરના કર્મચારીઓને રાખવાના હોય પણ માત્ર શિક્ષકોને રોકીને ગરીબ અને પછાત વર્ગના બાળકોનું શિક્ષણ બગાડી રહ્યાં છે. એક શાળામાંથી 3 કે 4 શિક્ષકોના બીએલઓ તરીકે હુકમ થયા છે.
એસઆઈઆરની કામગીરી સામે વધતો આક્રોશ
ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓ અસહ્ય કામના ભારણ અને દબાણનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે જ રાજ્યમાં એક બીએલઓએ કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી, જેના ગણતરીના કલાકોમાં જ વડોદરામાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થતાં કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
મૃતક શિક્ષકના પરિવારજનોને યોગ્ય વળતરની તાત્કાલિક જાહેરાત કરવાની માગણી..કરતું કોંગ્રેસ...
સરની કામગીરીના અસહ્ય ભારણના કારણે વધુ એક નિર્દોષ નો શ્વાસ થંભી ગયો છે રાજ્યવ્યાપી સરની ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન થતા શિક્ષકોના મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને પરિવારને યોગ્ય વળતરની તત્કાલ જાહેરાત કરવામાં આવે તેવી માગણી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર સમક્ષ કરી છે.
રાજ્યમાં ચાલી રહેલા સર સર્વેક્ષણ અને ચૂંટણીલક્ષી કામગીરીના વધતા પ્રેશરનો ભોગ હવે એક-બે નહિ, પરંતુ અનેક શિક્ષકો અને કર્મચારીઓ બની રહ્યા છે. તાજેતરનાં બનાવો અત્યંત ચિંતાજનક છે.આ તબક્કે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે રાજ્યવ્યાપીસર અને ચૂંટણીલક્ષી કામગીરી કરતા શિક્ષકો ના મૃત્યુની ઉચ્ચતરીય તપાસ કરવામાં આવે તેમજ તેમના પરિવારજનોને યોગ્ય વળતરની તાત્કાલિક જાહેરાત કરવાની માગણી કરી છે.
શિક્ષકો માટે સલામત, માનવિય અને વ્યાવસાયિક કાર્યપરિસ્થિતિ સુનિશ્ચિત કરે.આ મોત કોઈ કુદરતી ઘટના નથી.આ સરકારની નિષ્ફળ નીતિઓ અને શિક્ષકો પ્રત્યેની અસંવેદનશીલતાનું સીધું પરિણામ હોવાનું મનીષ દોશીએ જણાવ્યું છે.
શિક્ષકોને સરની કામગીરી માંથી વહેલામાં વહેલી તકે મુક્ત કરો. પ્રાથમિક શિક્ષક સંઘ.
બીએલઓની કામગીરી દરમિયાન ગંભીર ઘટનાઓ આકાર લઈ રહી છે કામના ભારણના કારણે શિક્ષકોના મોતના બનાવથી શિક્ષક સંગઠનો ચૂંટણી પંચ સામે મેદાનમાં આવ્યા છે ગઈકાલે ચૂંટણી પંચ સમક્ષ આવીને કેટલીક રજૂઆતો કરી હતી.બીએલઓની કામગીરીને લઈ શૈક્ષણિક સંગઠનની મુખ્ય માંગણીઓમા ગુજરાત સરકારે તાત્કાલિક શિક્ષણની ચિંતા કરીને શિક્ષકોને વહેલામાં વહેલી તકે આ સર ની કામગીરીમાંથી મુક્ત કરવા જોઈએ.હાલ જે બીએલઓની કામગીરી કરતા શિક્ષકો છે, તેમને હેરાનગતિ ન થાય અને તેઓ સરળતાથી કામગીરી પૂર્ણ કરી શકે તેવી વ્યવહારિક પદ્ધતિ અપનાવવામાં આવે.શિક્ષકોને કોઈપણ પ્રકારની ધાક-ધમકી આપવામાં ન આવે અને ધરપકડના વોરંટ કે નોટિસ આપીને દબાણ ઊભું ન કરવામાં આવે.બીએલઓના આપઘાતની ઘટના બાદ શિક્ષકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને રજૂઆત, કરી હતી રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન, આપ્યું છે કે જેમાં બીએલઓની કામગીરી સોંપવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે અને બીએલઓની નિયુક્તિ થતા શિક્ષણ કાર્ય પર અસર થાય છે તાજેતરની ઘટના એ સિસ્ટમની ગંભીર ખામી છે.