ખોડલધામ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર, સહિતના કોંગી નેતાઓએ મા ખોડિયારને શીશ નમાવી ધ્વજા રોહણ કર્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ સાથે રાજ્ય વ્યાપી કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સાથે ખોડલધામના ટ્રસ્ટી અને લેઉઆ પાટીદાર સમાજના મોભી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતા.
સરકાર વિરુદ્ધ તડાફડી બોલાવી હતી
તાજેતરમાં મહાનગર, નગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે પાટીદાર સમાજને બાજુમાં રાખી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગઈકાલે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ સાંજે જન આક્રોશ સભાનું આયોજન કર્યું હતું. જેમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાનનું તાકીદે વળતર ચૂકવવા તેમજ ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને ન્યાય આપવા સહિતના મુદ્દે સરકાર વિરુદ્ધ તડાફડી બોલાવી હતી.

નેતાઓએ ખોડિયાર માતાજીને શીશ ઝુકાવ્યું
બાદમાં આજે સવારે પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, વિધાનસભા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ ખોડિયાર માતાજીને શીશ ઝુકાવ્યું હતું અને ધ્વજા રોહણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. અને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંગેની તૈયારી સહિતની બાબતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે લેઉઆ પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે રહ્યા હતા અને કોંગ્રેસ નેતાઓનું સ્વાગત કર્યું હતું. નરેશ પટેલ કોંગ્રેસના નેતાઓ સાથે રહેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રસંગે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, જેનીબેન ઠુંમર, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.