બેટ-દ્વારકાના સુપ્રસિઘ્ધ દ્વારકાધીશ મંદિરમાં છેલ્લા ર૭ દિવસથી બ્રાહ્મણોને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલવાને બદલે વધુ વકરી રહી છે. આ વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. યજમાનવૃતિ કરતા બ્રાહ્મણ આઘેડ ભગતપ્રસાદ પાઢ દ્વારા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ વિઘ્ધ દુષ્પ્રચાર કરવા અને ખોટી માહિતી ફેલાવી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવા અરજી આપતા બેટ-દ્વારકામાં ચકચાર મચી છે.
નવાઇની વાત તો એ છે કે આટલા દિવસોથી ચાલતો આ વિવાદ હજુ સુધી કોઇ મઘ્યસ્થી આગળ આવી નથી, સુદર્શન બ્રીજ બન્યા બાદ બેટ-દ્વારકામાં પ્રવાસીઓનો ઘસારો વઘ્યો છે. નાતાલના વેકેશનમાં ભારે ભીડના પગલે ટ્રસ્ટીઓએ સુરક્ષાના નામે બહાર નીકળવાના રસ્તેથી બ્રાહ્મણો અને તેમના યજમાનોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. જેનાથી બ્રાહ્મણોની લાગણી દુભાઇ હતી અને તેમણે મંદિરમાં જવાનું બંધ કરી દીધું છે. હાલ સ્થિતિ એવી છે કે યાત્રિકો માત્ર દર્શન કરીને જ નીકળી જાય છે. પરંતુ બેટ-દ્વારકાનો ઇતિહાસ અને વિધિ વિધાન જાણી શકતા નથી.
આ વિવાદ વચ્ચે બેટ-દ્વારકાના બ્રાહ્મણ ભગવત પ્રસાદ પાઢ દ્વારા નિવેદનમાં જાણવા મળ્યું કે, યજમાનોને મંદિરમાં દર્શન કરવા લઇ જાય અને એ લોકો જે પણ દાન આપે તે તીર્થપૂરતીની વ્યવસ્થા છે. જે બહાર નીકળવાનો રસ્તો હતો, તે અચાનક બહાના બતાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ખબર પડે કેટલાક સમયથી કયાંથી બ્રાહ્મણો આવ-જા કરતા હતા. બ્રાહ્મણો મંદિર સાથે બંધારણથી જોડાયેલા છે. હજુ પણ આ બાબતે ટ્રસ્ટીઓ અને બ્રાહ્મણ જ્ઞાતિનું ટ્રસ્ટ સામસામે બેસી અને તેનો ઉકેલ લાવવા અને પ્રણાલીકાનું પાલન થાય તેમજ યાત્રિકોને સુવિધા મળે તે જરૂરી છે.
વિવાદના મૂળમાં વીઆઇપી દર્શન અને તેમાંથી થતી આવક હોવાનું મનાઇ છે. બ્રાહ્મણો યજમાનોને ગેબનશાપીર બાજુના ગેઇટથી પ્રવેશ કરાવી દર્શન કરાવતા હતા. જેમાં મળતી દક્ષિણામાંથી મંદિર ટ્રસ્ટને કોઇપણ આર્થિક લાભ થતો ન હતો, જો યાત્રિકો મુખ્ય દ્વારથી આવે અને ભેટની પહોંચ ફાડે તો તેની ૬૦ ટકા આવક પ્રશાસનને મળે છે. ટ્રસ્ટીઓએ ભીડનું બહાનું કરીને આ રસ્તો બંધ કર્યો છે. જેની પાછળ સીધી દક્ષિણા પરનો અંકુશ જાણકારો કરી રહ્યા છે.