કચ્છ જિલ્લામાં મધરાત્રે ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાવડા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 12.49 વાગ્યે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભરનિંદ્રામાં રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે થોડીવારમાં ધરા ધ્રુજતી બંધ થતા રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, ખાવડામાં આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 44 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટ દિશામાં સ્થિત હતું. આ આંચકો નાનો હતો, પરંતુ નજીકના ગામોમાં હળવો કંપન અનુભવાયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે ભૂકંપથી કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું નથી.
કચ્છ વિસ્તાર સિસ્મિક ઝોન-વીમાં આવેલો હોવાથી અહીં નાના-મોટા ભૂકંપ આવતાં રહે છે. નિષ્ણાંતોના મતે આ પ્રકારના હળવા આંચકા પૃથ્વીની ટેક્ટોનિક ચાલનો સ્વાભાવિક ભાગ છે અને સામાન્ય રીતે ગંભીર નુકસાન કરતા નથી.
ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાત્રે 1.44 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત ગામમાં મોડી રાત્રે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટી કરાઈ હતી.
ગત નવેમ્બર મહિનાની 19 અને 20 તારીખે ગુજરાતમાં તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 19 નવેમ્બરે સવારે છ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 2.7ની નોંધાઇ હતી. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિ.મી દૂર નોંધાયું હતું. જ્યારે 20 ડિસેમ્બરે તાલાલામાં અડધા કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં.