રાજકોટ શહેરમાં મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે, મહાપાલિકાએ જાહેર કર્યા મુજબ વિવિધ રોગચાળાના કુલ ૧૭૦૯ કેસ નોંધાયા છે. અલબત્ત ખાનગી તબીબો આ આંકડાને હાસ્યાસ્પદ ગણાવતા જણાવે છે કે હાલ દિવાળીના તહેવારો બાદ માવઠું વરસતા મહાપાલિકાએ જાહેર કર્યા તેનાથી દસ ગણા વધુ કેસ શહેરમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિકલી એપેડેમિક રિપોર્ટમાં ચિકન ગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ ખાનગી તબીબોના મતે હાલ ચિકનગુનિયાના અનેક કેસ સામે આવી રહ્યા છે.
મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આજે જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જાહેર કરેલી વિગતો મુજબ ડેંગ્યુના ત્રણ, ટાઇફોઇડનો એક, કમળાના ચાર, શરદી-ઉધરસના ૮૦૪, તાવના ૭૩૦, ઝાડા-ઉલ્ટીના ૧૬૭ કેસ સહિત કુલ ૧૭૦૯ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૯૧૫ મકાનોમાં ફોગિંગ કરાયું હતું તેમજ મચ્છર ઉત્પતિ બદલ ૪૧૧ને નોટીસ ફટકારી હતી.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે પોરાનાશક કામગીરી હેઠળ સમગ્ર શહેરમાં કુલ ૩૫,૮૨૬ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્વારા ૯૧૫ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૨૨ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૮૫ અને કોર્મશીયલ ૧૨૬ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.
પાણીજન્ય રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર
· પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું.
· પીવાના ૨૦ લીટર પાણીમાં ૧ ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
· તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
· ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
· ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો.
· વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી.
· ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા.
· દૂધ ઉકાળીને પીવું.
· ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો.
·નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો.
·ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો.