BREAKING NEWS

તોડ કરવા નીકળેલી નકલી પોલીસ વિસ્તાર પારખવામાં ઉણી ઉતરતા બાજી બગડી ગઇ

  • June 15, 2026 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઇપણ બાબતમાં તૈયારી અધુરી હોય તો તેનું પરિણામ વિપરીત જ આવે છે. આવી જ એક ઘટના શહેરમાં બનવા પામી છે. બે શખસોએ નકલી પોલીસ બની યુવાવયના ચાર મિત્રોને ધમકાવી તેમની પાસેથી રૂ.૫૦ હજારની માંગણી કરી હતી. પરંતુ સોપાન લકઝરીયસની પાછળ ક્રિકેટના ગ્રાઉન્ડ પાસેનો આ વિસ્તાર યુનિવર્સિટી પોલીસની હદમાં આવતો હોય જયારે બેલડીએ પોતાની ઓળખ માલવિયાનગર પોલીસ તરીકે આપી હતી.જેથી યુવાનને શંકા જતા આ બેલડી અહીંથી ભાગી જતા યુવાને ફરિયાદ નોંધાવી હતી. જેથી અસલી પોલીસે આ બેલડીને ઝડપી લઇ તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.


બનાવ અંગે મવડી પ્લોટમાં મધુરમ સોસાયટી શેરી નં.૨ શ્રી કૃષ્ણ સ્કુલની સામેની શેરીમાં રહેતાં કીરીટભાઈ મનસુખભાઈ પીઠડીયા (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયાના નામ આપ્યા છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વાવડી ગામમાં ઘરઘંટીના બોકસ બનાવવાના કારખાનામાં મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.


ગઇ તા.૧૨ ના રાત્રીના આશરે ૧૧ વાગ્યે યુવક અને તેનો મિત્ર નરેશભાઈ પાંચાલ સાથે મિત્ર ભાર્ગવની બાઈક લઈ રૈયાધાર શાંતીનગર ગેઇટથી આગળ સોપાન લકઝરીયસની પાછળ ક્રિકેટના ગ્રાઉન્ડ ખાતે રવિભાઈ ચાવડા તથા ભાર્ગવ જોગર ત્યાં ગ્રાઉન્ડમાં બેઠેલ હોય જેથી ચારેય ગ્રાઉન્ડમાં બેઠા હતા. દરમિયાન બે શખસો ઇ-બાઈક લઇ આવ્યા હતા. જેમાંથી ચાલકે પોલીસના લોગો વાળુ જેકેટ પહેરેલ હતુ અને કહેલ કે, અમે પોલીસ છીએ અને અહીં ખુલ્લા પટમાં શું કરો છો તેમ કહેતા ચારેય જણા ડરી જતા ત્યાંથી નાસવા લાગેલ હતાં.


બંને શખ્સો યુવક પાછળ દોડવા લાગેલ અને તે પકડાઇ જતા પોલીસના લોગો વાળુ જેકેટ પહેરેલ શખસે કહેલ કે, હું માલવીયા પોલીસ સ્ટેશનમાંથી આવુ છુ અને તમારા મીત્રો ભાગી ગયા તે બધાને બોલાવ નહીંતર તમારી બન્ને બાઈક ડીટેઇન કરુ છુ, અને તને માલવીયા પોલીસ સ્ટેશન લઇ જાવ છુ. જો પોલીસ સ્ટેશન ના જવુ હોય અને માર ના ખાવો હોય તો તારે રૂ.૫૦ હજાર આપવા પડશે તેમ કહેતા યુવક ડરી ગયેલ અને તુંરત જ મિત્ર નરેશભાઇને ફોન કરેલ અને ત્યાં પરત આવવા બોલાવેલ બાદ ૧૦-૧૫ મીનીટમાં ત્રણેય મિત્રો ત્યાં આવી ગયેલ હતાં.


દરમિયાન મિત્ર નરેશભાઈને તે બન્ને શખ્સ પર શંકા પડતા નરેશભાઇએ તે બન્ને શખસોના નામ પૂછતા બાઈક ચાલકે આર્યન ફળદુ તથા તેની સાથેના શખસે પરમરાજ માંજરીયા નામ જણાવ્યું હતું અને તે પોલીસ નહીં હોવાની શંકા પડતા તે બન્નેને માલવીયા પોલીસ સ્ટેશનના પોલીસ હોય તો અહીં યુની. વિસ્તારમાં શું કરો છો તેમ પૂછતા તે બન્ને શખસો કોઇ જવાબ નહીં આપતા ચારેય મિત્રોએ તેઓ પાસે પોલીસ હોવાના પુરાવા માંગતા તે બન્ને શખસો ત્યાંથી તેમની બાઈક લઇને નાસી ગયા હતાં.


બનાવની ફરિયાદ પરથી યુની. પોલીસ મથકના પીઆઈ સી.એન.દવેની રાહબરીમાં પીએસઆઇ વિ.જી.ડોડીયા ડોડીયા અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ બંને આરોપી આર્યન ધીરજલાલ ફળદુ (રહે. ગોકુલધામ શેરી) અને પરમરાજ દિલીપ ઝાંઝરીયા (રહે. માધાપર ગામ) ને ઝડપી લીધા હતાં. બંને શખસોની પુછતાછ કરતા મોજશોખ પુરા કરવા ગુનો આચર્યાની કબૂલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application