BREAKING NEWS

મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગેલી આગ ૧૬ કલાકે કાબૂમાં આવી

  • March 02, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વાજડી-ન્યારી રોડ પર આવેલ કોંગી આગેવાનની માલિકીની મુદ્રા ઇવેન્ટ નેટવર્ક નામના મંડપ સર્વિસના ગોડાઉનમાં ગઇકાલે રાત્રીના આઠ વાગ્યે આગ લાગી હતી. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપધારણ કર લીધું હતું. આગના બનાવને પગલે અલગ અલગ ફાયર સ્ટેશન ખાતેથી છ ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા.

સતત ૧૬ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં અહીં મંડપ સર્વિસના ગોડાઉનમાં રહેલો તમામ સામાન સળગીને ખાખ થઇ ગયો હતો. આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. એફએસએસ રિપોર્ટ બાદ આગનું કારણ બહાર આવશે. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી. આગની આ ઘટનાને લઇ સાંજ સુધીમાં કમિશનર દ્વારા ગોડાઉન માલિકને નોટિસ પાઠવવામાં આવશે.

આગની ઘટના અંગે ફાયર બ્રિગેડમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગત રાત્રીના આઠ વાગ્યાં આસપાસ કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ પાસે ન્યારી રોડ પર આવેલ મુદ્રા ઇવેન્ટ નેટવર્ક નામના મંડપ સર્વિસના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમા મંડપનો સામાન હોય આગે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે અંગે રાત્રીના 8:08 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળતા કાલાવડ રોડ, રામાપીર ચોકડી, રેલનગર, મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશન ખાતેથી છ ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. ગઇકાલે રાત્રીના આઠ વાગ્યે લાગેલી આગ આજે સવારે ૧૨ વાગ્યે એટલે કે, ૧૬ કલાકે માંડ કાબુમાં આવી હતી.

કોંગી આગેવાન અને અગાઉ વિધાનસભા-68 બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા મિતુલભાઈ દોંગાની માલિકીના ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગમાં અહીં મંડપ સર્વિસના તૈયાર શેટ,સોફા સહિત તમામ સામાન સળગીને ખાખ થઇ ગયો હોય મોટાપાયે નુકશાન થયું હોવાનું જણાઇ રહ્યું છે. જોકે નુકશાનીનો સાચો આંકડો સામે આવ્યો નથી. આગ કયાં કરણોસર લાગી તે પણ જાણી શકાયું નથી. આગનું કારણ જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી છે. ત્યારબાદ આગનું કારણ સામે આવશે.સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.


ગોડાઉનની બાજુમાં આવેલા પામવિલા બંગલાની બારીઓના કાચ ફૂટયા

મુદ્રા ઇવેન્ટ નેટવર્કના ગોડાઉનમાં રાત્રીના વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. કલાકોની જહેમત બાદ આગ માંડ કાબુમાં આવી હતી. આગ કેટલી વિકરાળ હશે તે બાબતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે, આગની જ્વાળાના કારણે પામવિલા બંગલાની બારીઓના કાચ ફૂટી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application