ડોક્ટર્સ માટે સીઝન મનાતા ભાદરવા મહિનામાં રાબેતા મુજબ જ રાજકોટ શહેરમાં ઋતુજન્ય, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ખાસ કરીને ચાલુ સીઝનમાં શહેરમાં ચિકન ગુનિયાનો પ્રથમ કેસ નોંધાયો છે આ સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૭૩૪ કેસ નોંધાયા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાએ વિકલી એપેડેમિક રિપોર્ટમાં જાહેર કરેલી વિગતો અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ચિકનગુનિયાનો એક, ડેન્ગ્યુના ચાર, ટાઈફોઈડના બે, શરદી ઉધરસના ૮૨૪, તાવના ૭૧૯ અને ઝાડા ઉલ્ટીના ૧૮૪ સહિત કુલ ૧૭૩૪ કેસ મળ્યા છે.
મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે, મચ્છરના ઉપદ્રવની ફરિયાદોને પગલે ૬૮૪ ઘરોમાં ફોગીંગ કરાયું હતું, જ્યારે ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૨૩ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૩૫ અને કોર્મશીયલમાં ૭૦ સહિત ૩૦૫ને નોટીસ ફટકારવામાં આવી હતી.