સરકારે વર્ષ 2040 સુધીમાં રત્ન અને આભૂષણોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો
ભારતીય રત્ન અને આભૂષણ ઉદ્યોગની વૈશ્વિક ચમક આગામી વર્ષોમાં વધુ વધવાની શક્યતા છે. ભારત સરકારે વર્ષ 2040 સુધીમાં રત્ન અને આભૂષણોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે નવીનતા, ઉત્તમ ડિઝાઇન અને મજબૂત વૈશ્વિક બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ભારત આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.
આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ આશરે 28 અબજ ડોલર રહી હતી. હવે સરકાર આગામી 15 વર્ષમાં તેને લગભગ ચાર ગણો વધારીને 100 અબજ ડોલર સુધી લઈ જવા માગે છે. અંદાજ મુજબ 2040 સુધીમાં આ ક્ષેત્રનો દેશના જીડીપીમાં હિસ્સો 1.2 ટકા, જ્યારે કુલ માલ નિકાસમાં તેનો હિસ્સો લગભગ 14 ટકા સુધી પહોંચી શકે છે.
રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, ભારતની સૌથી મોટી તાકાત સોનું, ચાંદી કે કાચા હીરાના ખનનમાં નથી, પરંતુ દેશના કુશળ કારીગરો અને તેમની કારીગરીમાં છે. વૈશ્વિક બજારમાં મોટી ભાગીદારી મેળવવા માટે ભારતે માત્ર પરંપરાગત મેન્યુફેક્ચરિંગ સુધી સીમિત ન રહેવું જોઈએ. ડિઝાઇન, ઇનોવેશન અને પોતાની મજબૂત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઓળખ ઊભી કરવી જરૂરી છે.
વિશ્વભરના ગ્રાહકોની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં આભૂષણ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3-ડી પ્રિન્ટિંગ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો જરૂરી બની રહ્યો છે. આ ટેક્નોલોજીથી નવી ડિઝાઇન વિકસાવવા, ઉત્પાદન પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા અને ગ્રાહકોની પસંદગી અનુસાર આભૂષણ તૈયાર કરવામાં મદદ મળી શકે છે.
સરકારે આ ક્ષેત્રના વિકાસ માટે કૌશલ્ય વિકાસ, કારીગરોની તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. સાથે જ પારદર્શક અને વિશ્વસનીય વ્યવસાયિક ઇકોસિસ્ટમ ઊભું કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ભારતનો હેતુ હવે માત્ર દુનિયા માટે આભૂષણો બનાવવાનો નથી, પરંતુ પ્રીમિયમ ડિઝાઇન, ટેક્નોલોજી અને મજબૂત બ્રાન્ડિંગના આધારે વૈશ્વિક જ્વેલરી માર્કેટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો છે. જો સરકાર અને નિકાસકારો સાથે મળીને આ દિશામાં કામ કરે, તો 2040 સુધી 100 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક ભારતીય જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક સિદ્ધિ બની શકે છે.