નાયબ મામલતદારોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સરકારે કાર્યવાહી શરૂ કરી છે અને તે માટે નાયબ મામલતદાર વર્ગ ત્રણ સંવર્ગનુ કામ ચલાવ મેરીટ લીસ્ટ જાહેર કર્યું છે.
તારીખ 29 મે 2012 ની સ્થિતિએ મંજૂર થયેલા સંવર્ગની ભરાયેલી અને ખાલી જગ્યાઓની વિગતો, તારીખ 29/ 5/ 2012 થી 29/ 1/ 2014 દરમિયાન નવી ઉપલબ્ધ થયેલી જગ્યાની માહિતી, સીધી ભરતી, બઢતી, સેમી ડાયરેક્ટ પદ્ધતિથી થયેલ નિમણૂકની માહિતી અને આ સમયગાળા દરમિયાન સંવર્ગ છોડીને ગયેલા નાયબ મામલતદારોની તમામ કલેકટર તરફથી મળેલી માહિતીના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
આ મેરીટ લીસ્ટ મુજબ તારીખ 29 મે 2012 થી તારીખ 29 જાન્યુઆરી 2014 સુધીના સમયગાળામાં સીધી ભરતીના કવોટામાં 487 જગ્યાઓ ફાળવવા પાત્ર છે. પરંતુ તે સામે જુન 2012માં સીધી ભરતીના 620 કર્મચારીઓની નિમણૂક થઈ હોવાથી 133 જેટલી વધારાની જગ્યા ભરાઈ ગઈ છે. આ બાબતે શું કરવું તે બાબતે લાંબી ચર્ચા વિચારણા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ વધઘટ હોય તે તમામ રદ ગણવાની રહેશે. આ નિર્ણય મુજબ મેરીટ લિસ્ટ બનાવવામાં આવ્યું છે.
નાયબ મામલતદારોની જગ્યાઓ તારીખ 29 મે 2012 પહેલા જે તે જિલ્લા કલેક્ટર હસ્તક હતી. પરંતુ 29 મે 2012 પછી તે રાજ્ય કક્ષાનો સંવર્ગ ગણવામાં આવેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 29 મે 2012 પછી જે તે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલ હુકમથી નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી મેળવેલ કર્મચારીઓના હુકમો હાલ ચકાસણી હેઠળ છે અને તે પ્રક્રિયા પૂરી થયે આવા કર્મચારીઓને મેરીટ લીસ્ટમાં સ્થાન આપવા બાબતે વિચારણા કરવામાં આવશે.
સરકારે તૈયાર કરેલી આ મેરીટ લીસ્ટને જે તે કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર અને અન્યત્ર જાહેરમાં લગાવવામાં આવ્યા છે. કોઈ કર્મચારી કે સંબંધીત ને આ બાબતે રજૂઆત કરવી હોય તો 30 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. આ સમય મર્યાદા દરમિયાન મળેલી અરજીઓ બાબતે વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈને ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.