BREAKING NEWS

રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર ગૂંજશે નેવી બેન્ડનો શૌર્ય ધ્વનિ

  • September 02, 2026 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આયોજિત વિરાસત થી વિકાસ લોકમેળામાં આજે ભારતીય નેવી બેન્ડ પરફોર્મન્સ આપશે. પાંચ દિવસીય લોકમેળામાં જાણીતા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. લોક મેળાની મોજ માણવા જિલ્લા વહીવટી તંત્રએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.  લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વભરમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નેવીબેન્ડ પ્રથમ બે દિવસ દેશભક્તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં દરરોજ બપોરે ૩થી સાંજે ૮ વાગ્યા દરમિયાન વિવિધ કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નૃત્ય વૃંદો) વિવિધ પ્રસ્તુતિઓ કરશે. લોકગાયક ગોપાલ ભરવાડ, જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી, સુપ્રસિદ્ધ કલાકાર ઉદય ધાંધલ, સાગર કાચા તથા દિવ્યેશ જેઠવા સહિતના કલાકારો રંગત જમાવશે. આ સાથે મુલાકાતીઓને વિવિધ સ્ટોલ્સ મારફતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જાણવાનો અવસર મળશે તેમજ કલાકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી વિવિધ વસ્તુઓ ખરીદવાની પણ તક મળશે. લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, વિરાસત અને વિકાસના સંગમરૂપ એવા જન્માષ્ટમીના ‘વિરાસતથી વિકાસ લોકમેળા’નું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય લોકમેળાનો ઉદ્ઘાટન સમારોહ ૨ સપ્ટેમ્બર ને બુધવારે સાંજે ૪.૩૦ કલાકે યોજાશે. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આ ભવ્ય લોકમેળાનો આનંદ માણવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application