BREAKING NEWS

બાળકો પર દબાણ નહીં, પરંતુ તેમની સાથે પ્રેમપૂર્વક સકારાત્મક સંવાદ જરૂરી

  • August 04, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહ કંકાસ અને માનસિક તણાવ વચ્ચે સપડાયેલી મહિલા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન આશાનું કિરણ બની છે. રાજકોટમાં ૨૩ વર્ષના લગ્નજીવન બાદ કાયદાકીય વિવાદ વચ્ચે જીવતી માતા માટે તેની ૧૩ વર્ષની નાની દીકરી જ જીવવાનો સહારો હતી. પરંતુ કૌટુંબિક અશાંતિની બાળકીના કુમળા મન પર ઊંડી અસર પડી હતી. છેલ્લા કેટલાક સમયથી દીકરી સ્કૂલે જવાની ચોખ્ખી ના પાડતી, સવારે જાગવામાં આળસ કરતી અને શાળામાં શિક્ષકો સાથે ગેરવર્તન કરતી હતી. માતા જ્યારે પણ તેને સમજાવવાનો પ્રયાસ કરતી ત્યારે દીકરી ઉશ્કેરાઈને ઘર છોડી જવાની ધમકીઓ આપતી હતી. દીકરીના આ બદલાયેલા વર્તનથી વ્યથિત બનેલી માતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સહારો લીધો હતો. કોલ મળતા જ ૧૮૧ અભયમની ટીમે સ્થળ પર પહોંચી બાળકીનું કાઉન્સેલિંગ કર્યું. કિશોરીને પોતાની અણસમજનું ભાન થતાં માતા પર ગુસ્સો ન કરવા, તેમનું દરેક કહેવું માનવા અને પૂરતા ધ્યાન સાથે અભ્યાસ પર લક્ષ્ય આપવા વચન આપ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અભયમ ટીમે માતાને માર્ગદર્શન આપ્યું હતું કે, તરુણાવસ્થામાં પ્રવેશતા બાળકો પર વધુ પડતો ગુસ્સો કે દબાણ કરવાને બદલે પ્રેમ, ધીરજ અને સકારાત્મક સંવાદથી કામ લેવું જોઈએ, જેથી તેમના વ્યક્તિત્વનો સાચો વિકાસ થઈ શકે. આ સાથે જ ભવિષ્યની સુરક્ષા માટે માતાને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન અંગે પણ માહિતી આપી હતી. કાઉન્સેલિંગના અંતે માતા અને દીકરી બંનેએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application