હિંદ મહાસાગર અને બંગાળની ખાડીના મધ્યભાગમાં સર્જાયેલા લો પ્રેશરની અસર અરબી સમુદ્રના શ્રીલંકા તરફના ભાગમાં પણ જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. સાથોસાથ ભેજનું પ્રમાણ પણ વધી જવાના કારણે ગરમીમાં મામુલી રાહત મળી છે.
ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે આજે રાજકોટ, પોરબંદર, અમરેલી સહિત રાજ્યના અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં સવારે ઝાકળ જોવા મળી હતી. આજે પોરબંદરમાં 91, રાજકોટમાં 87, અમરેલીમાં 86, નલિયામાં 78, વેરાવળમાં 77, ઓખામાં 74, કંડલામાં 73 અને ભુજમાં 80% ભેજ નોંધાયો હતો. છેલા બે દિવસથી રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું, તેમાં હવે ઘટાડો થયો છે અને મંગળવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ભુજમાં અને રાજકોટમાં અનુક્રમે 32.4 અને 32.5 ડિગ્રી નોંધાયો હતો.
નલીયામાં ગઈકાલે મહત્તમ તાપમાન 19.2 અને આજે લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું છે. આમ લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર ચાર ડિગ્રી જેટલો તફાવત રહ્યો છે. ઓખામાં આ તફાવત આઠ ડિગ્રી નોંધાયો છે. ગઈકાલનું મહત્તમ તાપમાન ૨૭.૮ અને આજનું લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે 29 ડિગ્રી અને આજે 15 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં પણ ગઈકાલનું મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી હતું અને આજનું લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું છે.
હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના મધ્યભાગમાં ગઈકાલે સાંજે સર્જાયેલું લોપ્રેસર વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની મુવમેન્ટ ઘણી ધીમી છે અને તેની સાથોસાથ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એર સાયકલોનિક સર્ક્યુલેશન પણ જોડાયું છે. આજે આ સિસ્ટમ વધુ પ્રભાવિ બની છે અને દરિયો તોફાની બન્યો છે. પ્રતિ કલાકના 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. જોકે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવું અત્યારે લાગતું નથી દરિયો તોફાની હોવાના કારણે માછીમારોને આગામી તારીખ 21 સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.