પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કર્મચારીઓ તેમના સન્માનિત યાત્રિયોની મદદ માટે હંમેશાં તત્પર રહે છે. આ પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ વેરાવળ સ્ટેશન પર જોવા મળ્યું હતું.જ્યાં એક મુસાફરના લેપટોપ સાથેની બેગ ભૂલથી સોમનાથ એક્સપ્રેસ ગાડીમાં ભુલી જવાયું હતું. જેને રેલવે કર્મચારીઓએ અત્યંત ઈમાનદારી અને જવાબદારીપૂર્વક સુરક્ષિત રીતે શોધીને મુસાફરને પરત કર્યુ હતું. આ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, તા. ૧૦-૧૧ ના રોજ એક મુસાફર ગાડી નંબર ૨૨૯૫૭ ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં બી-૧ નંબરના ડબ્બામાં ચાંદલોડિયા થી કેશોદ સુધી યાત્રા કરી હતી. દરમ્યાન કેશોદ પહોંચ્યા બાદ ઉતાવળમાં તેમના લેપટોપ સાથેની બેગ સીટ પર ભૂલથી રહી ગયેલ. અને ગાડીના પ્રસ્થાન પછી તેમણે રેલમદદ એપ્લિકેશન દ્વારા રેલવે પ્રશાસનને જાણ કરેલી. રેલમદદ પર માહિતી મળતાં જ રેલવે કર્મચારીઓ આગળ વધીને કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. અને કંટ્રોલ ઓફિસથી ગાડીમાં કાર્યરત ટીટીઈ શંભુ પ્રસાદને મેસેજ મોકલવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ ટીટીઈ શંભુ પ્રસાદ ઉક્ત ડબ્બાની સીટ પર ગયા હતા. અને ત્યાં બેગ મળી આવી હતી. જેની જાણ મુસાફરને કરી દેવામાં આવતા અને જરૂરી પૂછપરછ પછી વેરાવળ સ્ટેશન પર મુસાફરને લેપટોપ સહિતની બેગ પરત કરવામાં આવી હતી. લેપટોપ સાથેની બેગ સુરક્ષિત રીતે મળતાં મુસાફરે રેલવે પ્રશાસન પ્રત્યે ઊંડા કૃતજ્ઞતા વ્યક્ત કરી તમામ સંબંધિત કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ પ્રશંસનીય કાર્ય માટે સંબંધિત કર્મચારીઓને વખાણ કરી પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું હતું કે, આ કાર્ય ભારતીય રેલવેની ઈમાનદારી, જવાબદારી અને મુસાફર સેવા ભાવનાનો પ્રતીક છે.