BREAKING NEWS

પુનિત સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી ચોરી, કુખ્યાત બેલડી ઝડપાઇ

  • February 07, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પુનીત સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં આ અંગે પુજારીએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ભકિતનગર પોલીસે કુખ્યાત તસ્કર મેહુલ ઉર્ફે ભુરી અને ભરત પરમારને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ અને બાઇક સહિત રૂ. ૫૩,૫૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગર શેરી નં.૬ માં રહેતાં ઘનશ્યામભાઈ મહેશભાઈ ત્રીવેદી (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુતા હનુમાન મંદિર રોડ પુનીત સોસાયટી ચોકમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી તરીકે સેવા આપે છે. આ મંદિરના ટ્રસ્ટી ધીરુભાઈ ગોવિંદભાઇ પટેલ છે.

ગઈ તા.૩ ના રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ મંદિરમાં પુજાને લગત કામ કાજ પતાવી મંદિરના મેઇન ગેઇટ પર તથા બાજુમા રહેલ લોખંડની જાળીને તાળું મારી ઘરે જવા નીકળી ગયેલ હતો. પિતાજી તથા મોટો દિકરો બન્ને મંદિરમા બનાવેલ રૂમમા સુવા માટે જતા રહેલ હતા. બીજા દિવસે તા.૪ ના વહેલી સવારના સાડા ચારેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે સુતેલ હતાં ત્યારે મોટા ભાઈ દીલીપભાઈનો ફોન આવેલ કે, આપણા રામેશ્વર મંદિરમા તાળા તુટેલ છે, તું મંદિરે આવ તેમ વાત કરતા તેઓ પુનીત સોસાયટી ચોકમા આવેલ રામેશ્વર મંદીર પર ગયેલ ત્યા મેઇન ગેઇટ પાસે મોટા ભાઈ ઉભેલ હતા.

મંદિરમા જોતા મેઇન ગેઇટની બાજુમાં રહેલ લોખંડની જાળીનો લોક તુટેલ હતો, જેથી ચોરી થઈ હોવાની શંકા જતા બન્ને ભાઇઓએ મંદિરમા જઈ જોયુ તો મંદિરમા શીવ મંદિરની અંદર લોખંડની ત્રણ દાન પેટી હોય જે ત્રણેયના તાળા તુટેલ હતા અને તેની અંદર રહેલ પૈસા જોવામા આવેલ નહિ, શીવ મંદિરની બાજુમાં લાકડાનું ટેબલ હોય જેમા પિતાજી હવનના પૈસા રાખતા હોય તે ટેબલના બન્ને ડ્રોવરના લોક પણ તુટેલ અને તેની અંદર રહેલ રૂપિયા જીવામા આવેલ નહિ, ટેબલની બાજુમાં એક લોખંડનો કબાટ હતો જે કબાટનો દરવાજા તોડવાનો પ્રયાસ કરેલ હોવાના કારણે દરવાજો વળી ગયેલ હોવાનું જોવામા આવેલ હતું. તપાસ કરતા ટેબલના ડ્રોવરમા રોકડ રૂ.૧૫ હજાર હતા તે તેમજ ત્રણેય દાન પેટીમા મળી આશરે ૨ હજાર જેટલા છુટા ચીલરની ચોરી થયાનું માલુમ પડયું હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોરીના આ બનાવને લઇ પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે.ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ. મયુરદાન બાટી અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં કુખ્યાત તસ્કર બેલડી મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા(ઉ.વ. ૨૮ રહે. નવલનગર શેરી નં.૨) અને ભરત પોપટભાઇ પરમાર(ઉ.વ. ૨૩ રહે. શીતળાધાર પચીસ વારીયા કવાર્ટસ) ને ઝડપી લઇ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ અને બાઇક સહિત રૂ.૫૩,૫૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે.ગોહિલ, હેડ કોન્સ. મયુરદાન બાટી, સ્નેહભાઇ ભારદરકા, રમેશભાઇ મલકીયા, કેતનભાઇ બોરીચા, કોન્સ. યોગરાજસિંહ જાડેજા, નીલેશભાઇ મીયાત્રા, પ્રકાશભાઇ મકવાણા સહિતના સાથે રહ્યા હતાં.


કુખ્યાત ભુરી સામે ૩૦, ભરત સામે ૧૫ ગુના

મંદિરની ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને શખસોનો લાંબો ગુનાહિત ભુતકાળ છે. જેમાં મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામા સામે ચોરી સહિતના ૩૦ ગુના નોંધાઇ ચૂકયા છે. જયારે અન્ય આરોપી ભરત પરમાર સામે ૧૫ ગુના નોંધાઇ ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application