BREAKING NEWS

ભારતીયો પર છવાયો મોરોક્કોનો જાદુ! 2026માં 80 હજાર ભારતીય પ્રવાસીઓ માટે ‘રેડ કાર્પેટ’ બિછાવશે આ આફ્રિકન દેશ

  • February 16, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેતીના રણ, અદભૂત સ્થાપત્ય અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે જાણીતો દેશ મોરોક્કો હવે ભારતીય ટુરિસ્ટોનું નવું ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. મોરોક્કો નેશનલ ટુરિઝમ ઓફિસ (MNTO) ના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૬માં ભારતમાંથી આશરે ૮૦,૦૦૦ પ્રવાસીઓ મોરોક્કોની મુલાકાત લે તેવી શક્યતા છે. મોરોક્કો અત્યારે ભારતને એશિયાના બીજા સૌથી મોટા સોર્સ માર્કેટ તરીકે જોઈ રહ્યું છે.


આંકડાઓની નજરે પ્રવાસીઓનો વધતો ક્રેઝ
મોરોક્કોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૪માં ૪૧,૦૦૦ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૫૪,૦૦૦ પર પહોંચી (જે ૨૦૨૪ની તુલનામાં ૩૧% નો વધારો દર્શાવે છે). ત્યારે હવે વર્ષ ૨૦૨૬નો લક્ષ્યાંકમાં મોરોક્કો આ વર્ષે ૭૫,૦૦૦ થી ૮૦,૦૦૦ પ્રવાસીઓનું સ્વાગત કરવા સજ્જ છે. MNTO ના ઇન્ડિયા કન્ટ્રી મેનેજર જમાલ યુનિસ કિલિટોના જણાવ્યા મુજબ, તેમનું અંતિમ લક્ષ્ય ટૂંક સમયમાં ૧ લાખ ભારતીય પ્રવાસીઓનો આંકડો પાર કરવાનું છે.


સરળ ઈ-વિઝા અને પ્રચાર ઝુંબેશની અસર

ભારતીયોમાં આ વધતા આકર્ષણ પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, ૨૦૨૩માં મોરોક્કોએ ભારતમાં પોતાની પ્રવાસન ઓફિસ શરૂ કરી અને સ્થાનિક ટુર ઓપરેટરો સાથે ભાગીદારી કરી. બીજું અને સૌથી મહત્વનું કારણ સુવિધાજનક ઈ-વિઝા છે. મોરોક્કોના વિઝા હવે માત્ર થોડા કલાકોથી લઈને ચાર દિવસમાં મળી જાય છે, જેના કારણે પ્રવાસીઓ માટે પ્લાનિંગ કરવું સરળ બન્યું છે.


કોના પર છે મોરોક્કોનું ખાસ ધ્યાન?
ભારતીય પ્રવાસીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને મોરોક્કો ખાસ રણનીતિ બનાવી રહ્યું છે:

- ગ્રુપ ટુર: દર પાંચમાંથી એક ભારતીય પ્રવાસી ગ્રુપ પેકેજ પસંદ કરે છે, તેથી આ સેગમેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


- લગ્નો અને કોન્ફરન્સ:
મોરોક્કો હવે ડેસ્ટિનેશન વેડિંગ, કોન્ફરન્સ (MICE) અને બિઝનેસ ટ્રિપ્સ માટે પણ ભારતીયોને આકર્ષી રહ્યું છે.


- યુવા અને વરિષ્ઠ નાગરિકો:
સોલો ટ્રાવેલર્સ તેમજ ૫૦ વર્ષથી વધુ ઉંમરના અનુભવી મુસાફરો માટે ખાસ ટુરિઝમ પ્રોડક્ટ્સ પ્રમોટ કરવામાં આવી રહી છે.


સીધી ફ્લાઈટ નથી છતાં કનેક્ટિવિટી મજબૂત

જોકે ભારત અને મોરોક્કો વચ્ચે હજુ સુધી કોઈ સીધી ફ્લાઈટ શરૂ થઈ નથી, તેમ છતાં પ્રવાસીઓને મુશ્કેલી પડતી નથી. દુબઈ, દોહા કે અબુધાબી જેવા મધ્ય-પૂર્વના દેશો તેમજ કેટલાક યુરોપીયન શહેરો મારફતે ઘણી કનેક્ટિંગ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે.


એશિયામાં બીજા ક્રમે ભારત

મોરોક્કો માટે પ્રવાસીઓ મોકલવામાં હાલમાં ફ્રાન્સ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ સ્પેન અને બ્રિટન આવે છે. પરંતુ એશિયાની વાત કરીએ તો, ચીન પછી ભારત બીજા ક્રમે છે. જે રીતે ભારતીયોમાં મોરોક્કોનો ક્રેઝ વધી રહ્યો છે, તે જોતા આગામી થોડા વર્ષોમાં ભારત ટોપ-૧૦ દેશોની યાદીમાં સામેલ થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.


ગયા વર્ષની વૃદ્ધિની સાથે મોરોક્કોને આ વર્ષે ભારતમાંથી લગભગ 80,000 પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. મોરોક્કન નેશનલ ટુરિઝમ ઓફિસ (MNTO) ના ઈન્ડિયા કન્ટ્રી જનરલ મેનેજર જમાલ યુનેસ કિલિટોએ જણાવ્યું હતું કે 2025 માં કુલ 20 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 54,000 ભારતમાંથી આવ્યા હતા. આનો અર્થ એ થયો કે ભારતીય પ્રવાસીઓ કુલ પ્રવાસીઓના 25 ટકા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application